વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે એટલે કે આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. તેઓ આજે સવારે 10.30 વાગ્યે મુંબઈના નેવી ડોકયાર્ડ ખાતે નેવીના ત્રણ ફ્લેગશિપ યુદ્ધ જહાજો INS સુરત, INS નીલગીરી અને INS વાઘશીર રાષ્ટ્રને સમર્પિત કરશે. આ વિશે માહિતી આપતા પીએમ મોદીએ સોમવારે કહ્યું હતું કે 15 જાન્યુઆરી, 2025 ના રોજ નૌકાદળમાં ત્રણ ફ્રન્ટલાઈન નૌકા યુદ્ધ જહાજોને સામેલ કરવાથી સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાના અમારા પ્રયત્નોને મજબૂતી મળશે અને આત્મનિર્ભરતા તરફના અમારા પ્રયાસોમાં વધારો થશે.
તમને જણાવી દઈએ કે ભારતીય નૌકાદળ દ્વારા ‘X’ પર કરવામાં આવેલી પોસ્ટનો જવાબ આપતા પીએમ મોદીએ કહ્યું કે, ‘આવતી કાલે 15 જાન્યુઆરી આપણી નૌકાદળની ક્ષમતાના સંદર્ભમાં ખાસ દિવસ બનવાનો છે. ત્રણ ફ્રન્ટલાઈન નૌકાદળના યુદ્ધ જહાજોને સામેલ કરવાથી સંરક્ષણ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનવાના અમારા પ્રયત્નોને મજબૂતી મળશે અને આત્મનિર્ભરતા તરફના અમારા પ્રયાસોને વેગ મળશે. એક સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, સંરક્ષણ ઉત્પાદન અને દરિયાઈ સુરક્ષામાં વૈશ્વિક નેતા બનવાના ભારતના વિઝનને સાકાર કરવા માટે ત્રણ મુખ્ય નૌકા યુદ્ધ જહાજોનું કમિશનિંગ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે.