દિલ્હી વિધાનસભા ચૂંટણી પ્રચાર વચ્ચે, પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલના દાવા પર બીજેપી નેતા રમેશ બિધુરીનો ખુલાસો હવે સામે આવ્યો છે. બિધુરીએ કહ્યું કે હું કોઈ પદ માટે દાવેદાર નથી, અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી મારા વિશે ખોટો પ્રચાર કરી રહી છે. કેજરીવાલે સ્વીકાર્યું છે કે તેમની પાર્ટી હારી રહી છે અને દિલ્હીમાં ભાજપની સરકાર આવી રહી છે. મને મુખ્યમંત્રી પદનો દાવેદાર કહેવાની વાત તદ્દન પાયાવિહોણી છે. બિધુરીએ એક લાંબુ નિવેદન પણ બહાર પાડ્યું છે.
એક દિવસ પહેલા મીડિયા સાથે વાત કરતા અરવિંદ કેજરીવાલે દાવો કર્યો હતો કે તેમના સૂત્રો કહી રહ્યા છે કે ભાજપ રમેશ બિધુરીને સીએમ ચહેરો બનાવશે. આગામી એક-બે દિવસમાં તેની જાહેરાત થાય તેવી શકયતા છે. પૂર્વ સીએમએ કહ્યું કે દિલ્હીના લોકો વતી હું માત્ર એટલું જ પૂછવા માંગુ છું કે બિધુરી જી 10 વર્ષ સુધી દિલ્હીના સાંસદ હતા, પરંતુ તેમણે એ જ જણાવવું જોઈએ કે આ સમયગાળા દરમિયાન તેમણે શું કામ કર્યું.