ભૂગર્ભ જળ ઊંચકાવા સાથે ખેતીને નવજીવન: બનાસકાંઠા જિલ્લામાં સતત ભુગર્ભ જળ ઉંડા જઈ રહ્યા છે ત્યારે દિયોદર,ડીસા અને કાંકરેજ સહિત લાખણી તાલુકાના ગામડાઓના તળાવો નર્મદાના નીરથી ભરવા ઉચ્ચ સ્તરે રજૂઆતો થઈ છે.
આ બાબતે જસાલીના ખેડૂત આગેવાન અમરાભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારે દિયોદર, ડીસા અને લાખણી તાલુકામાં સિંચાઈ અને ગામ તળાવો પાઈપલાઈનથી ભરવા 1200 કરોડના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે તે આવકાર્ય છે પણ ઘણા ગામડાઓ નર્મદાના નીરથી વંચિત રહી જાય તેમ છે. એકલા લાખણી તાલુકાના અમુક ગામડાંઓ જેવા કે લવાણા, ગેળા ગણતા લાલપુર જસરા વાસણ કુડા, લિંબાઉ, ચાળવા, અછવાડિયા, મકડાલા, મખાણુ, ચીભડાં, કુવાતા, રાટીલા,વજેગઢ, વગેરે નર્મદા કેનાલના પાણીથી વંચિત છે.તો આ બધાં ગામોને કેનાલના પાણીનો લાભ મળી રહે એવી નવી કેનાલ આપવા તથા ચાંગા- દાંતીવાડા પાઈપલાઈન 3 કી.મી. છે તે 10 કી.મી.સુધી વિસ્તારવા ઉચ્ચ સ્તરે રજૂઆતો અને આવેદનપત્ર પણ આપ્યા છે.
ત્યારે ગામલોકોના હિતને ધ્યાને લઇ થરાદનાં ધારાસભ્ય શંકરભાઈ ચૌધરી તથા દિયોદરનાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ સાથે મળીને ખેડૂતોના હિતમાં સરકાર પાસે નિર્ણય લેવરાવે તેવી માંગ પણ કરી હતી.જો આ ગામોના તળાવો સુધી નર્મદાના નીર આવે તો ભૂગર્ભ જળ ઊંચકાવા સાથે ખેતીને પણ નવજીવન મળી શકે તેમ છે.તેથી ખેડૂતોએ આ પ્રશ્નોનું સત્વરે નિરાકરણ લાવવાની માંગ કરી અન્યથા ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન છેડવાની ચીમકી પણ ઉચ્ચારી છે.