બનાસ નદીમાં રેતી ચોરી કરતા 22 વાહનો અને એક મશીન મળી કુલ 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

બનાસ નદીમાં રેતી ચોરી કરતા 22 વાહનો અને એક મશીન મળી કુલ 8 કરોડનો મુદ્દામાલ જપ્ત

ડીસા નજીક નદીના પટમાં ગેરકાયદે રેતી ચોરીનો પર્દાફાશ : બનાસકાંઠા જિલ્લામાંથી પસાર થતી બનાસ નદીના પટમાં રેતીનું ગેરકાયદેસર રીતે ખનન કરી મોટા પાયે રેતી ચોરી થતી હોવાની વ્યાપક ફરિયાદોના પગલે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને ફલાઈંગ સ્કવોર્ડની ટીમે સંયુક્ત ઓપરેશન કરી ડીસામાં આખોલ પાસે બનાસ નદીના પુલ નજીક ગેરકાયદેસર રીતે રેતી ચોરીનું નેટવર્ક પકડી 22 વાહનો અને એક મશીન જપ્ત કર્યું હતું. બનાસકાંઠા જિલ્લામાં બનાસ નદીમાં રેતીની 150 જેટલી લિઝો આવેલી છે.

આ ઉપરાંત પણ કેટલાક અસામાજિક તત્વો દ્વારા નદીમાં ગેરકાયદેસર રીતે હિટાચી મશીન મૂકી ખનન કરવામાં આવતું હોવાની વ્યાપક ફરિયાદો ભૂસ્તર વિભાગને અવારનવાર મળતી રહે છે. જેથી બનાસકાંઠા ભૂસ્તરશાસ્ત્રી ગુરુપ્રીતસિંગ સારસ્વા દ્વારા રેતી ખનીજ ચોરી મામલે વ્યાપક એક્શન લેવાઈ રહ્યા છે.ભૂસ્તર વિભાગ દ્વારા થોડા સમય પહેલા જ કાંકરેજ તાલુકાના અરણીવાડા ગામે રેતી ચોરી સામે રાજ્યનું સૌથી મોટું ઓપરેશન કરી 125 થી વધુ વાહનો અને આઠ જેટલા મશીનો જપ્ત કર્યા હતા. ત્યારબાદ ડીસા બનાસ નદીના પુલ પાસે ગેરકાયદેસર રીતે ખોદકામ કરવામાં આવતું હોવાની માહિતી આધારે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમો મધરાતે ત્રાટકી હતી. જેમાં નદીમાં ગેરકાયદેસર રીતે ખોદકામ કરતાં મશીન અને 22 જેટલા વાહનો ઝડપાયા હતા.

આ અંગે બનાસકાંઠા ભૂસ્તર શાસ્ત્રી ગુરપ્રીતસિંગ સારસ્વાના જણાવ્યા મુજબ, બનાસકાંઠા ભૂસ્તર વિભાગ અને ફલાઇંગ સ્કવોર્ડની ટીમે સંયુક્ત કાર્યવાહી કરી ગેરકાયદેસર રીતે ખોદકામ થતું હોવાથી 22 ડમ્પર અને એક મશીન મળી કુલ અંદાજે રૂપિયા 8 કરોડનો મુદ્દામાલ જપ્ત કરેલ છે. હવે ગેર કાયદેસર ખોદકામ બાબતે માપણી કરી દંડ ફટકારવામાં આવશે.

નદીના પુલ અને વીજ પોલને નુકસાન થાય તે રીતે ખોદકામ: ડીસામાં બનાસ નદીના પુલ પાસે છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખોદકામ ચાલી રહ્યું હતું. ખોદકામ કરતાં તત્વો બનાસ નદીના બ્રિજ તેમજ હેવી વીજ લાઈનના પુલને નુકસાન થાય તે રીતે ખોદકામ કરતા હોવાની ફરિયાદો મળી હતી.જેથી ભૂસ્તર વિભાગે મધરાતે રેડ પાડી હતી.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *