પાલનપુરના વૃદ્ધાશ્રમમાં પતંગ, રમત અને નાસ્તા સાથે પોષણ ઉડાનની વિશેષ ઉજવણી: પાલનપુર સ્થિત હિન્દુ સમાજ વડીલ વિશ્રાંતિ ભવન વૃદ્ધાશ્રમ ખાતે પોષણ ઉડાન-૨૦૨૫ની ઉજવણીનું આયોજન બનાસકાંઠા આઇ.સી.ડી.એસ વિભાગના જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જરની અધ્યક્ષતામાં કરાયું હતું.
વિશ્રાંતિ ભવન ખાતે વૃદ્ધાશ્રમ પરિવાર સાથે મળીને મકરસંક્રાંતિ પર્વની ઉજવણી પ્રાર્થના થકી કરાઈ હતી. આ પ્રસંગે કિશોરીઓને પતંગ પર સ્લોગનની સ્પર્ધા, રસ્સાખેંચ અને ખો-ખો જેવી રમતો રમાડવામાં આવી હતી. આંગણવાડી કેન્દ્રના પુર્વ પ્રાથમિક શિક્ષણ મેળવતા ૩ થી ૬ વર્ષના બાળકોને સંગીત ખુરશી, બિસ્કેટ પકડ જેવી રમતો રમાડવામાં આવી હતી. બાળકોને નાસ્તામાં તલની ચિંકી, સીંગની ચિંકી, તલના લાડુ, મોસંબી આપવામાં આવી હતી. બાળકો અને કિશોરીઓ સાથે પતંગો ચગાવવાની મસ્તી પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમ દ્વારા પોષણ ઉડાન-૨૦૨૫ની ઉજવણી વૃદ્ધાશ્રમ પરિવાર સાથે હર્ષ ઉલ્લાસ અને આનંદ સાથે કરવામાં આવી. આ કાર્યક્રમમાં બાળ વિકાસ યોજના અધિકારી પાલનપુર-૧, પી.એસ.ઇ ઇન્સ્ટ્રકટર, મુખ્યસેવિકાઓ, આંગણવાડી કેન્દ્રના બાળકો, કિશોરીઓ અને કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.