બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન માટે વર્ષ 2024 ખૂબ જ ખરાબ રહ્યું છે. ઘણી વખત તેને જાનથી મારી નાખવાની ધમકીઓ મળી હતી અને આવા પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા. તેના નજીકના મિત્ર બાબા સિદ્દીકીની પણ હત્યા કરવામાં આવી હતી. આ તમામ સંજોગો વચ્ચે સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. હવે અભિનેતાના ઘરે પણ સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે. આ તમામ ફેરફારો ઈદ પહેલા થઈ રહ્યા છે.
સલમાન ખાન દર વર્ષે ઈદ અને તેના જન્મદિવસ પર તેના ચાહકોની મુલાકાત લેતો હોય તે બાલ્કનીનો નજારો હવે બદલાઈ ગયો છે. સુરક્ષાના કારણે અભિનેતાના ઘરમાં ઘણા મોટા ફેરફારો થયા છે. તેની બાલ્કનીને કવર કરવામાં આવી છે અને તે પણ બુલેટપ્રૂફ કાચથી.
સિકંદર એક્ટર સલમાન ખાનના ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર બાલ્કની વિસ્તારમાં રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. હવે એક દિવસ પછી તેની બાલ્કનીમાં કાચની મોટી બારીઓ લગાવવામાં આવી છે. આ બારીઓની ખાસિયત એ છે કે તે બુલેટપ્રુફ છે. જેથી ગોળી ત્યાંથી પસાર ન થઈ શકે. હવે આ વર્ષની ઈદ પર, અભિનેતા અહીંથી તેના ચાહકોને મળશે.