ખાસમ ખાસ
શું સંકલ્પ શક્તિ હોય તો સફળ થવાય? એક એવું લખાણ જે સહજ છે સરળ છે અને લોકો પ્રેમથી વાંચે છે. હમણાં વર્ષ:૨૦૨૫ ની શરૂઆત થઈ. બનાસકાંઠા જિલ્લાનું વિભાજન થયું અને વાવ થરાદ નામ પડ્યું. કોઈને અલગ જિલ્લાનું નામ ઓગડ જીલ્લો રાખવું છે. કોઈ જિલ્લાના વિભાજનની માફક બનાસ બેંક અને બનાસ ડેરીનું વિભાજન માગે છે. આ પૈકીની બધી બાબતો રાજકારણ સાથે જોડાયેલ છે. જિલ્લાનું વિભાજન કર્યું તો પાલનપુરમાં ગઢ અને ડીસામાં ભિલડીનો કચવાટ સંભળાતો થયો.
નવા વર્ષમાં ચીને ભારતની જમીન ઉપર બે કાઉન્સિલ જાહેર કરી. કાઉન્સિલ એટલે જીલ્લો બીજો દેશ આપણા દેશમાં બે જિલ્લા કરે એની ચર્ચા ખાસ નથી. હા, નવા જિલ્લાને કયું નામ આપવું એમાં સૌ ચર્ચામાં જોડાયા છે. કોઈ કહે છે શંકરભાઈ ચૌધરીએ આપેલું વચન પાળ્યું. આજે નવ વર્ષમાં ખાસમ ખાસ નો પહેલો મણકો છે ત્યારે હું આ કાવાદાવા કે રાજ કારણ ને બદલે નવ વર્ષમાં નવતર સંકલ્પ માટે જાણ કરું તો રખેવળમાં આ જગ્યાનો ઉપયોગ થયો કહેવાય.
નવું વર્ષ નવો ઉત્સાહ અને નવાં કામ માટેની તૈયારી. યુરોપમાં તો આ સમય દિવાળી જેવો માહોલ હોય છે. આ નવાવર્ષમાં જોવા મળી શકે એક એવી સામાન્ય બાબત એ કે દરેક વ્યક્તિ ૨૦૨૫ લખતાં પહેલાં મનોમન કોઈ વ્યક્તિગત સુધારા માટેનો સંકલ્પ કરે એવું બને છે. આ સંકલ્પ પૂરો થાય કે નહીં એ બીજી બાબત છે. મોટે ભાગે સવારે વહેલા જાગવું, નિયમિત પ્રભુ સ્મરણ કરવું કે અભ્યાસમાં ધ્યાન આપવા જેવી બાબતો અહીં નવ વર્ષના સંકલ્પમાં જોવા મળે છે.
પરંતુ અત્યારના સમય મુજબ નીચે મુજબના સંકલ્પ કરીએ તો નવું વર્ષ સહજ અને સરળ જાય. આ માટેના સંકલ્પમાં નિયમિત હળવી કવાયત કરવી.મોબાઈલ અને ટેબલેટને છોડીએ.સપ્તાહમાં એક વાર ડિજિટલ ઉપવાસ કરીએ. એક વૃક્ષ ઉછેરીએ અને ઘરમાં સફાઈને જાળવવામાં સહયોગ કરીએ. આ નવા જમાના મુજબ કરવા જેવા સંકલ્પ છે સફાઈ અને વૃક્ષ ઉછેર કોરોના જેવી વૈશ્વિક મહામારી ને પાછી પાડશે જ્યારે ડિજિટલ ઉપવાસ મગજ ને શાંત અને સ્થિર કરવામાં સહયોગી બનશે.
આ થઈ કરવા યોગ્ય સંકલ્પની વાતો. પણ દરેકને મનમાં પ્રશ્ન થાય કે શું સંકલ્પ કરવાથી સફળ થવાય. આ બાબતે એમ કહી શકાય કે સંકલ્પ કરવાથી સફળ થવાય કે નહીં એ સમય બતાવશે પરંતુ સંકલ્પ એ સફળતા તરફનું પ્રથમ પગથિયું બને એ નક્કી છે. એક શેઠ અને કુંભારની વાર્તા છે. શેઠ એક મહાત્માના કહેવાથી કોઈ એક સંકલ્પ લેવા તૈયાર થાય છે. એક વખત કુંભાર માટી લેવા જંગલમાં જાય છે. શેઠ એનું મોઢું જોવામાંથી રહી જાય છે. રોજ એનું મોઢું જોવાનો સંકલ્પ કરનાર શેઠ જંગલમાં જાય છે. આ તરફ કુંભાર ને જમીન ખોદતાં ચરું મળે છે. આ ચરુ શેઠ જોઈ જાય છે. કુંભાર શેઠને અડધો અડધ ચરૂમાં મળેલ સામગ્રીનો અડધો ભાગ આપવા સહમત થાય છે. આ થઈ એક નાની વાર્તા. આવું આપણા જીવનમાં શક્ય છે. જો એક જગ્યાએ સતત પાણીનું ટીંપુ પાડવામાં આવે તો પથ્થર પણ કાણો થઈ જાય. આ નવા વર્ષમાં આપ સંકલ્પ લઈ સફળ થશો એવી શુભકામનાઓ.
જો સફળ થવું હોય તો સહજ થવું પડશે. આ સહજતા કાયમી ટકે તો સફળતા મળે જ મળે. સફળતા માટે સહજ થવું હોય તો આપણી ઉંમરથી વીસ વર્ષ નાના વ્યક્તિ સાથે ભાઈબંધી કરવી. નાની ઉંમરની વ્યક્તિ સાથે મિત્રતા કરવાથી આધુનિક સમયમાં ચાલતી ગતિવિધિ અંગે જાણી શકાય છે. આ માટે નિયમિત પ્રભુ સ્મરણ અને દ્રઢ સંકલ્પ સાથે જોડાયેલ રહેવું ખૂબ મહત્વનું છે.
ડૉ.ભાવેશ પંડ્યા
ગમતી નિશાળ,પાલનપુર.