સાબરકાંઠા જિલ્લા એસ.ઓ.જી શાખાએ હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સેન્ટ્રો કારમાંથી ચોરીના 12 મોબાઈલ ઝડપીને આંતરરાજ્ય ચોરીના ત્રણ ગુના ઉકેલ્યા હતા. એ-ડીવીઝન પોલીસ સ્ટેશનમાં 12 મોબાઈલ અને કાર મળી 5.15 લાખનો મુદ્દામાલ કબજે લઈને અજાણ્યા કાર ચાલક સામે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે એસ.ઓ.જી શાખામાંથી મળેલ માહિતી મુજબ સાબરકાંઠા એસ.ઓ.જી એટીએસ ચાર્ટરને લગતી કામગીરી માટે હિંમતનગરના મોતીપુરા સર્કલ પર વાહન ચેકિંગ કરતા હતા. દરમિયાન હુન્ડાઈ કંપનીની સેન્ટ્રો કારનો ચાલક દૂરથી પોલીસને જોઇને પોતાની સેન્ટ્રો કાર નંબર UP.16.AF.4207 રોડ સાઈડે મૂકી નાસી ગયો હતો. જે કારમાં તપાસ કરતા તેમાંથી IPHONE, SAMSUNG, Z-5 ફોલ્ડ, વન પ્લસ સહિતની કંપનીના અલગ અલગ ટોપ મોડલના 12 ચોરીના મોબાઈલ રૂ 4.15 લાખના મળી આવ્યા હતા. જેને લઈને 1 લાખની કાર મળી 5.15 લાખનો મુદ્દામાલ કબજે લઈને કાર ચાલક સામે એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. SOGએ ઝડપેલ ચોરીના 12 મોબાઈલ અંગેની દિલ્હી અને રાજસ્થાનમાં ગુના નોંધાયેલા છે. જેને લઈને એસ.ઓ.જીએ ત્રણ આંતરરાજ્ય ચોરીના ઉકેલ્યા છે.