બનાસકાંઠામાં વર્ષ 2024 માં 15 લાંચ કેસમાં 28 પકડાયા: 10 સરકારી, 8 આઉટસોર્સિંગ કર્મચારી અને 10 ખાનગી વ્યક્તિ સામેલ 2024 ના વર્ષમાં બનાસકાંઠામાં એન્ટી કરપ્શન બ્યુરોએ ગયા વર્ષ કરતા વધારે લાંચ લેતા લાંચિયા કર્મચારીઓને ઝડપી લીધા હતાં.અને તેમની પાસેથી રૂ.2,98,800 ની લાંચની રકમ પણ જપ્ત કરી હતી.
ભ્રષ્ટાચાર મુક્ત બનાસકાંઠાને લઈને 2024 ના વર્ષ દરમિયાન એન્ટી કરપ્શન બ્યુરો (એસીબી) એ વિશેષ ઝુંબેશ ચલાવી હતી. જે અંતર્ગત સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચારને નાબૂદ કરવા બનાસકાંઠા એસીબીએ કડક પ્રયાસો હાથ ધર્યા હતાં. આ પ્રયાસની સફળતા તેના ચોંકાવનારા આંકડા પરથી જોવા મળે છે.2023 ના વર્ષમાં એસીબીમાં લાંચના 9 કેસ હતા.જ્યારે 2024 માં 15 કેસ કર્યા હતાં.જેથી ગયા વર્ષ કરતા ભ્રષ્ટાચારીઓને પકડવાનું પ્રમાણ વધ્યું છે.જેમાં 25 પુરુષ અને 3 મહિલા મળી કુલ 28 લાંચિયાઓ પાસેથી એસીબીએ કુલ રૂ. 2,98,800 ની લાંચની રોકડ પણ જપ્ત કરી છે.
2024 વર્ષમાં એસીબીની ટ્રેપમા પકડાયેલ 28 ભ્રષ્ટ લાંચિયાઓ પાસેથી રૂ 2,98,800 લાંચનાં રૂપિયા કબજે કરવામાં આવ્યા છે. જેમાંથી વર્ગ 1 નાં 1 સરકારી અધિકારી,વર્ગ 2નાં 4 અધિકારીઓ, વર્ગ 3 ના 5 કર્મચારી મળી 10 સરકારી કર્મચારી લાંચ લેતા આબાદ ઝડપાયા હતા.જેમાં આશ્ચર્ય જનક રીતે વર્ગ 4 ના એક પણ કર્મચારીનો સમાવેશ થતો નથી. જ્યારે આઉટસોર્સિંગ 8 કર્મચારી અને ખાનગી વ્યક્તિઓ 10 મળી કુલ 28 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.નોંધનીય છે કે એન્ટી કરપ્શન બ્યુરોની ટ્રેપમાં સૌથી વધુ સહયોગી ખાનગી વ્યક્તિઓ પકડાયા છે.જે બાદ સરકારી કચેરીઓમાં રાખેલ આઉટસોર્સિંગના 8 કર્મચારીઓ ટ્રેપમાં ઝડપાયા છે. આ ઉપરાંત વર્ગ 1 થી 3 ના 10 અધિકારીઓને ઝડપીને તેમના વિરુદ્ધ અપ્રમાણસર મિલકતના ગુના પણ નોંધવામાં આવ્યા છે.
સરકારી કચેરઓમાં ભ્રષ્ટાચાર જ શિષ્ટાચાર: બનાસકાંઠા જિલ્લામાં આવેલી સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ફાલ્યોફૂલ્યો છે. ખાસ કરીને આઉટસોર્સિંગથી ભરતી બાદ કચેરીઓમાં રૂપિયા વગર કામ થતું જ નથી.જો કે હવે લોકોમાં થોડી જાગૃતિ આવી છે. જેથી તેઓ એન્ટી કરપ્સન બ્યુરોના ટોલ ફ્રી 1064 નંબરનો ઉપયોગ કરવા લાગ્યા છે. જેના કારણે ગત વર્ષ કરતા આ વર્ષે વધુ લાંચિયા કર્મચારી ઝડપાયા છે.