જામનગર શહેરમાં તેમજ જામનગર ગ્રામ્ય અને ધ્રોલ પંથકમાં સતત બીજા દિવસે વીજતંત્ર દ્વારા અવિરત વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જામનગરમાં પખવાડિયાના વિરામ બાદ ગઈકાલે વહેલી સવારથી વીજ તંત્ર દ્વારા ફરીથી વીજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જે કાર્યવાહી મંગળવારે સતત બીજા દિવસે પણ ચાલુ રાખવામાં આવી હતી, અને ૨૬ વીજ ચેકીંગ ટુકડીઓએ વીજચોરી કરનાર પર તવાઈ બોલાવી હતી. જેથી વીજ ચોરોમાં ફફડાટ મચી ગયો હતો અને બીજા દિવસે કુલ રૂ.25.65 લાખની પાવર ચોરી ઝડપી લેવામાં આવી હતી.
જામનગર PGVCL વર્તુળ કચેરીની ચેકિંગ ડ્રાઇવ દ્વારા મંગળવારે સવારે જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ, સુભાષ પરા અને ગણેશવાસ વિસ્તારમાં ચેકિંગ કરાયું હતું, જ્યારે જામનગર ગ્રામ્ય વિસ્તારના નાઘેડી, સરમત સહિતના આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ ચેકિંગ ટુકડીઓએ તવાઈ બોલાવી હતી. આ ઉપરાંત ધ્રોલ તાલુકાના ગઢડા, ખેંગારકા, વાવડી, બેરાજા, નેસડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વીજ ચેકિંગ કરાયું હતું. સમગ્ર દિવસ દરમિયાન 301 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ૪૮ વીજ જોડાણમાંથી ગેરરીતિ મળી આવી હતી અને તેઓને 25.65 લાખના પુરવણી બીલો ફટકારવામાં આવ્યા છે.