સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ કમાલપુર, ફતેપુરા અને સેમોદ્રાને જોડતો માર્ગ પાકો બનાવવાની માંગ: વિકાસની બુમરાણો વચ્ચે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ફતેપુરા ગામથી સેમોદ્રા અને ફતેપુરા ગામથી કમાલપુરાને જોડતા કાચા રસ્તાને લઈને સ્થાનિક રહીશોએ વિરોધ દર્શાવ્યો છે. ઘણા વર્ષોની રજૂઆત છતાં એકબીજા ગામોને જોડતા પાકા રોડ ન બનાવાતા હવે સ્થાનિક રહીશોમાં નારાજગી જોવા મળી રહી છે. છેલ્લા 30 વર્ષથી રોડ માટેની માંગ કરતા ગ્રામજનો હવે ઉગ્ર આક્રોશ વ્યક્ત કરી ઝડપી રોડ બનાવવા માટેની માંગ કરી રહ્યા છે.
જોકે હજુ અમુક ગામડાઓના જોડતા ટૂંકા રોડ વર્ષોથી બન્યા નથી.જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. પાલનપુર તાલુકાના ફતેપુરા ગામના સ્થાનિકોએ નારાજગી વ્યક્ત કરી છે. સ્થાનિકોની માંગ છે કે છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરીએ છીએ પરંતુ અમારા ગામથી બીજા ગામોને જોડતા માર્ગ બનાવવામાં આવતા નથી. ફતેપુરાથી સેમોદ્રા ગામનો માર્ગએ માત્ર 1.5 કી. મી.સુધીનો માર્ગ છે જે માર્ગ બનાવવાની વર્ષોથી રજૂઆત છે પરંતુ તેનું કામ કરવામાં આવતું નથી હાલ પરિસ્થિતિ એવી છે કે ફતેપુરા ગામથી અંબાજી જવું હોય તો વડગામ થઈને જવું પડતું હોય છે. જેમાં ચારથી પાંચ કિલોમીટરનું અંતર વધી જાય છે.
નેતાઓ વાયદા આપે છે પણ કામ થતું નથી : ગ્રામજનોએ રોષ ઠાલવતા જણાવ્યું હતું કે સ્થાનિક ધારાસભ્ય હોય કે નેતાઓ તમામ વાયદા આપીને જાય છે. પરંતુ રોડ રસ્તાના કામ થતા નથી. ફતેપુરાથી કમાલપુરા જતો આ માર્ગ પર વર્ષો પહેલા મેટલ નાખવામાં આવી હતી.જોકે 30 વર્ષથી આ રોડ બનાવવાની માંગ કરી રહ્યા છીએ છતાં પણ કોઈ સાંભળતું નથી.તંત્રને અનેકવાર રજૂઆત કરાઈ છે.રોડની દરખાસ્ત કરવામાં આવી છે તેવી માત્ર વાતો થાય છે પણ કામગીરી થતી નથી .છેલ્લા 30 વર્ષમાં ઘણા રોડ બની ગયા પરંતુ ફતેપુરાથી સેમોદ્રા અને ફતેપુરાથી કમાલપુર રોડ બનાવવામાં આવતો નથી..જો આ રોડ બનાવવામાં આવે તો લોકોને અમદાવાદ જવા માટે પાંચથી સાત કિલોમીટર જેટલા અંતરનો ફરક પડી જાય તેમ છે. જેના કારણે લોકોને ઘણી રાહત થઈ શકે તેમ છે ત્યારે હવે ગ્રામજનોએ સરકાર અને તંત્ર અમારી વ્યાજબી વાત સાંભળી ઝડપથી આ રોડ બનાવે તેવી માંગ કરી હતી.