ડીસામાં ભંગાર બનેલા માર્ગો ઉપર અકસ્માતનું જોખમ
ધારાસભ્યની રજૂઆત અન્વયે સાંસદ બાબુભાઈ દેસાઈએ મંત્રીને પત્ર લખી માંગ કરી
બનાસકાંઠા જિલ્લાના વાવ,થરાદ, કાંકરેજ, લાખણી, ધાનેરા અને ડીસા તાલુકાના નાગરિકો અને વાહન ચાલકો માટે ડીસા શહેરમાંથી પસાર થતો એલીવેટેડ ઓવરબ્રિજ મહત્વનો બની રહ્યો છે. આ માર્ગ ઉપર ટ્રાફિકની સમસ્યા વધુ હોવાથી તેના નિવારણ માટે અંદાજે રૂપિયા 200 કરોડના ખર્ચે કુલ 3.75 કિલોમીટર લાંબા ઓવરબ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું હતું, પરંતુ આ એલિવેટેડ ઓવરબ્રિજના નિર્માણ બાદ તેની નીચે આવેલા બંને તરફના માર્ગોની રિ-સર્ફેસિંગની કામગીરી પુલ બન્યાને સમય વીત્યો છતાં હજુ પણ તેની કામગીરી પૂર્ણ કરવામાં આવી નથી. જેના કારણે અકસ્માતોની ઘટનાઓ બને છે અને લોકોને હાલાકીઓ સામનો કરવો પડે છે.
આ અંગે ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીની રજૂઆત અન્વયે રાજ્ય સભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને પત્ર લખીને રજૂઆત કરી છે. જેમાં તેઓએ જણાવ્યું છે કે, આ એલિવેટેડ ઓવર બ્રિજ નીચેના ફોરલેન માર્ગો વરસાદ અને વાહનોની અવર જવરના કારણે અત્યંત ખરાબ થઈ ગયા છે. આ પુલના નિર્માણ થયા પછી આજ દિન સુધી આ માર્ગોનું રી- સર્ફેસીંગ કે તેની યોગ્ય રીતે જાળવણી કરવામાં આવી રહી નથી. પરિણામે આ માર્ગ ઉપર ઠેર ઠેર મોટા ખાડા પડી જતાં અવાર નવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સર્જાય છે. જ્યારે રાહદારીઓ સહિત વાહન ચાલકોના જીવ પણ જોખમમાં મુકાઈ રહ્યા છે. જેથી ડીસા તેમજ આજુબાજુના વિસ્તારના નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરવા માટે આ માર્ગોની જાળવણી અતી આવશ્યક છે.
રાજ્યસભાના સાંસદ બાબુભાઈ દેસાઈએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી એલિવેટેડ ઓવરબ્રિજના નીચેના માર્ગોના રિ -સર્ફેસિંગ અને જાળવણી માટે ઝડપથી કામગીરી થાય તે માટે ચિંતા કરી રહ્યા છે. જેથી ડીસા શહેરની આ કામગીરીને પ્રાધાન્ય આપવા તેઓએ માંગ કરી છે.