ચૂંટણીઓ ઘણાં સમયથી ન યોજાતા ગ્રામીણ વિકાસને માઠી અસર
શહેરી વિકાસ અને પંચાયત વિભાગ દ્વારા નવી મતદાર યાદીની પ્રક્રીયા: બનાસકાંઠા સહિત રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદાર શાસન છે. જેના કારણે ખાસ કરીને ગ્રામીણ વિકાસ રૂંધાય છે. લોકસભા બાદ ચૂંટણીઓ યોજાવાની હતી પણ ઓબીસી વિવાદ પૂર્ણ થતાં હવે વિધાનસભા સત્ર બાદ નવા વર્ષે એપ્રિલ- 2025 માં આ ચૂંટણીઓ યોજાય તેવી શકયતા રાજકીય વર્તુળોએ વ્યક્ત કરી છે.
રાજયની બનાસકાંઠા- ખેડા જિલ્લા પંચાયત, 17 તાલુકા પંચાયત, 75 નગરપાલિકા અને 539 નવી બનેલી ગ્રામ પંચાયતો સહિત કુલ 4765 ગ્રામ પંચાયતોની સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચુંટણીઓ વારંવાર વિલંબિત થઈ રહી છે. અગાઉ લોકસભાની ચૂંટણી બાદ આ ચૂંટણીઓ યોજાનાર હતી પરંતુ ઓબીસી અનામત મુદ્દે વિલંબ થયો હતો.જો કે હવે આ મુદ્દે હાઇકોર્ટે નિવારણ લાવ્યું છે. જે મુજબ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની આગામી ચુંટણીઓ હવે ઝવેરી પંચના અહેવાલ બાદ કોર્ટ દ્વારા નકકી કરાયેલી ઓબીસીની 27 ટકા, અનુસૂચીત જનજાતિ (એસટી) માટે 14 ટકા અને અનુસૂચીત જાતિ (એસસી) માટે 7 ટકા અનામત બેઠકો મુજબ કરાશે. હાલના તબકકે, શહેરી વિકાસ વિભાગ બાદ પંચાયત વિભાગે 27 ટકા ઓબીસી અનામત બેઠકોનું જાહેરનામું બહાર પાડવાની પ્રક્રિયા શરૂ કરી છે.
અનામત પ્રમાણે બેઠકોની ફાળવણી, વોર્ડ રચના, રોટેશનની પ્રક્રિયા પૂર્ણ થયા પછી મતદાર યાદીઓની સુધારણાનો કાર્યક્રમ શરૂ કરાશે.થોડા સમય પહેલા જ શહેરી વિકાસ અને પંચાયત વિભાગ તરફથી ડ્રાફટ નોટીફીકેશન બહાર પાડવામાં આવ્યુ હતું પરંતુ હવે તેમાં સુધારા-વધારાના સાથે ફાઈનલ નોટીફીકેશન બહાર પડાશે.તે પછી જે તે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં નવી મતદાર યાદી બહાર પડાશે. આ પ્રક્રિયામાં દોઢથી બે મહિના સુધીનો સમય લાગી શકે તેમ છે. આ પ્રક્રિયા પુરી થયા બાદ ચુંટણી પંચ દ્વારા બજેટ સત્ર પૂર્ણ થયા બાદ એપ્રિલ 2025 માં ચુંટણી કાર્યક્રમ જાહેર કરાય તેવી શકયતા રાજકીય વર્તુળોએ જણાવી છે.
બનાસકાંઠા જિલ્લાની 606 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે: બનાસકાંઠા જિલ્લાની 606 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાનાર છે. જેમાં પાલનપુર 53, વડગામ 42, દાંતા 39, અમીરગઢ 18, ડીસા 57, કાંકરેજ 62, દાંતીવાડા 32, ધાનેરા 52, વાવ 50, થરાદ 63, દિયોદર 39, લાખણી 37, સુઈગામ 27 અને ભાભરની 35 ગ્રામ પંચાયતોનો સમાવેશ થાય છે.