પત્નીને છોડીને દીકરીને લઈ જઈ પ્રેમિકા સાથે ફરાર પતિ સામે ફરિયાદ
બનાસકાંઠા જિલ્લાના ધાનેરાની એક મુસ્લિમ પરણીતા ના પતિને હિંદુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાતા તેણે પોતાની પત્નીને ત્રિપલ તલાક આપ્યા હતા. જે અંગે પીડિતાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે પતિ સહીત હિન્દુ યુવતી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુસ્લિમ મહિલાઓના હકના રક્ષણ માટે કેન્દ્ર સરકારે ત્રિપલ તલાકનો કાયદો બનાવ્યો છે. જોકે, કાયદો હોવા છતાં આજે પણ બનાસકાંઠા જિલ્લામાં ત્રિપલ તલાકનું ભૂત ધૂણી રહ્યું છે. બનાસકાંઠા જિલ્લામાં વધુ એક ત્રિપલ તલ્લાકનો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરાના અકતરશા રજબશા રાઠોડના લગ્ન થરાદની એક મુસ્લિમ સમાજની યુવતી સાથે સામાજિક રીતરિવાજ મુજબ થયા હતા. લગ્ન જીવન બાદ બે સંતાનોનો જન્મ પણ થયો હતો. દરમિયાન, બંને પતિ-પત્ની પાલનપુર રહેવા આવ્યા હતા.
જ્યાં પતિ અકતરશાને હિંદુ યુવતી સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. પત્નીએ તેઓને ઝડપી પાડતા પતિએ તેને માર મારી ત્રિપલ તલાક આપી દીધા હતા. પતિ પોતાની દીકરી અને પ્રેમિકાને લઈને ફરાર થઇ જતા પીડિતાએ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.દરમિયાન, પોલીસે પીડિતાની ફરિયાદને આધારે પતિ અને તેની પ્રેમિકા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર શહેર પશ્ચિમ પી.આઈ એસ.બી. ધાંધલ્યાએ જણાવ્યું હતું.આમ, ત્રિપલ તલાકનો ભોગ બનેલી પીડિતા પોતાની દીકરી પરત મેળવવા અને પતિ સામે કડક કાનૂની કાર્યવાહીની માંગ કરી રહી છે.