હિલ સ્ટેશન જેવો માહોલ સર્જાતા લોકોએ મૌસમની મજા માણી; શિયાળાની શરૂઆતમાં જ સમગ્ર રાજ્યમાં ગત થોડા દિવસોથી વાતાવરણમાં ચિંતાજનક પલટો આવતા અચાનક જ ઠંડીનો પારો વધી જવા પામ્યો છે જેમાં ગત 5 દિવસોથી સતત વાદળ છાયું વાતાવરણ અને ગાઢ ધૂમમ્સનું સામ્રાજ્ય છવાયેલું જોવા મળી રહ્યું છે સાથોસાથ હાડ થ્રિજવી દે તેવી શિત લહેરના લીધે શહેરીજનો ઠુંઠવાઈ જવા પામ્યા છે. શિયાળો શરૂ થતાની સાથે જ અચાનક વધેલી ઠંડીમાં રાહત મેળવવા માટે લોકો ગરમ કપડાનો સહારો લઈ કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે શહેરના વિવિધ સ્થળો પર ગરમ કપડાના સ્ટોલ પર ખરીદી માટે લોકોના ટોળા ઉમટી પડેલા જોવા મળી રહ્યાં છે.
ગત થોડા દિવસોથી વાતાવરણમાં પલટો આવતાં મહેસાણા શહેર અને જિલ્લામાં હિલ સ્ટેશન જેવો માહોલ જોવા મળી રહ્યો છે, વાદળાં અને ધુમ્મસથી ઘેરાયેલા આકાશમાં જાણે કે સૂર્ય નારાયણ સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે, તેવામાં પ્રકૃતિ પેમીઓ વહેલી સવારથી જ પ્રાકૃતિક વાતાવરણનો નજારો જોવા માટે નીકળી પડે છે.