ઉત્તરાખંડમાંથી એક હૃદયદ્રાવક અકસ્માતના સમાચાર સામે આવ્યા ભીમતાલમાં મુસાફરોને લઈ જઈ રહેલી રોડવેઝની બસ ઊંડી ખીણમાં પડી ગઈ છે. પોલીસે કહ્યું છે કે આ અકસ્માતમાં અત્યાર સુધીમાં ત્રણ મુસાફરોના મોત થયા છે. ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. વહીવટી તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. નૈનીતાલના એસએસપી પ્રહલાદ મીનાએ કહ્યું છે કે ભીમતાલમાં રોડવેઝની બસ ખાડામાં પડી જવાથી ઘણા લોકો ઘાયલ થયા છે. ઘટનાસ્થળે બચાવ ટીમો મોકલવામાં આવી રહી છે.
રાજ્ય એસડીઆરએફ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ઉત્તરાખંડમાં ભીમતાલ પાસે મુસાફરોથી ભરેલી બસ 1500 ફૂટ ઊંડી ખીણમાં પડી ગઈ હતી. મળતી માહિતી મુજબ, બસ અલ્મોડાથી હલ્દવાની જઈ રહી હતી અને અકસ્માત સમયે તેમાં 27 મુસાફરો સવાર હતા. જેમાંથી ત્રણના મોત થયા છે. ઘટનાની માહિતી મળતાની સાથે જ નૈનીતાલ અને ખૈરનાથી બે SDRF ટીમોને ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. અકસ્માત અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.