ગળતેશ્વરના શણાદરા ગામ નજીક નર્મદા યોજનાની પેટા કેનાલમાં ગાબડું પડતા સોમવારે રાત્રે ડાભસર, શણાલી, પાલૈયા ગામના ૧૦૦થી વધુ ખેડૂતોના જમીનમાં પાણી ઘૂસી ગયા હતા. પરિણામે રવિ વાવેતરને નુકસાન જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. કેનાલના સમારકામ અંગે વારંવાર રજૂઆતો કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ આંખ આડા કાન કરતા હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા હતા. તેમજ તાત્કાલિક સમારકામની માંગ કરી હતી. નર્મદા સરદાર સરોવરથી નીકળીને સૌરાષ્ટ્ર તરફ જતી મુખ્ય કેનાલ ગળતેશ્વર તાલુકાના શણાદરા ગામેથી પસાર થાય છે.
જેમાં ટેમ્લી, શણાદરા, પાલૈયા, વાળદ, ડભાલી, ડાભસર, વાંઘરોલી જેવા ગામો આવેલા છે. ટેમ્લી પેટા ગામથી માઈનોર કેનાલના બે પાંખિયા નીકળે છે. એક પાખિયું સલુણ ગામ તરફ જાય છે અને બીજું પાખિયું પાલૈયા, ડભાલી તરફ જાય છે. આ પાંખિયાવાળી કેનાલમાં ગાબડું પડતાં ગત સોમવારે રાત્રે કેનાલનું પાણી ડાભસર, શણાલી, પાલૈયા ગામોના ૧૦૦થી વધુ ખેડૂતોના જમીનમાં પાણી ઘૂસી ગયું હતું. પરિણામે ખેડૂતોએ વાવેતર કરેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. પરિણામે શિયાળું પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, કેનાલની બંને બાજૂએ તમાકુ, ડાંગર, રાજગરો સહિતના પાકોની વાવણી કરવામાં આવે છે.
ટેમ્લી પેટા ગામથી શણાદરા ગામની હદમાં અંદાજે ૪૦૦થી વધુ ખેડૂતોના ખેતરો આવેલા છે. જોકે, નર્મદાની ટેમ્લી પેટા કેનાલમાં ભુવારા પડવાથી કેનાલનું પાણી ખેતરોમાં ભરાઈ જતું હોવાથી પાકને નુકસાન પહોંચતું હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા છે. કેનાલના સમારકામ અંગે નર્મદા નિગમની કચેરીઓમાં વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં પરિણામ શૂન્ય રહ્યું છે.નર્મદા નિગમના અધિકારીઓ કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલા હોવાના અને માત્ર કાગળ ઉપર સમારકામની પ્રક્રિયા હાથ ધરી ગેરરીતિ આચરતા હોવાના આક્ષેપો ખેડૂતોએ લગાવ્યા હતા.