નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એ આતંકવાદ ફેલાવવાના આરોપમાં બે લોકો સામે ચાર્જશીટ દાખલ કરી છે. આ બંને પર તમિલનાડુ અને પડોશી રાજ્યોમાં કથિત રીતે આતંક ફેલાવવાનો અને ભારતમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવાનું ષડયંત્ર રચવાનો આરોપ છે. એન.આઈ.એ દ્વારા હાથ ધરવામાં આવેલી તપાસ મુજબ, બંને આરોપીઓ હિઝબુત-તહરિર આતંકવાદી સંગઠનના ગુપ્ત વર્ગોમાં વિદ્યાર્થીઓની ભરતી કરવામાં સક્રિય રીતે સામેલ હતા.
એન.આઈ.એ પોતાના નિવેદનમાં કહ્યું છે કે બંને આરોપી અબ્દુલ રહેમાન અને મુજીબુર રહેમાન ઉર્ફે અલ્થમ સાહેબે ધાર્મિક પ્રદર્શન માટે ક્લાસનું પણ આયોજન કર્યું હતું. આ બંનેએ સોશિયલ મીડિયા પર સંગઠનની ભારત વિરોધી વિચારધારાને પ્રમોટ કરવા માટે ઘણી ટૂંકી ફિલ્મો પણ બનાવી હતી. બંને આરોપીઓએ ઈસ્લામિક દેશોની સૈન્ય તાકાત બતાવવા માટે એક પ્રદર્શનનું પણ આયોજન કર્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે તેઓને જેહાદ અને યુદ્ધની મદદથી ભારત સરકારને ઉથલાવી દેવા માટે બોલાવવામાં આવશે.