પર્યાવરણની જાળવણી અને “પ્લાસ્ટિક મુક્ત પાલનપુર”ની મુહિમને લઈને ઇનરવ્હીલ કલબ અને કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા ગ્રીન મેરેથોન યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યા માં દોડવીરોએ ભાગ લીધો હતો.
પાલનપુર જ્યોર્જ ફિફ્થ ક્લબ ખાતેથી સવારે પર્યાવરણ બચાવો ના ઉદ્દેશ્ય સાથે ગ્રીન મેરેથોન દોડ યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યામાં દોડવીરોએ ભાગ લઇ પાલનપુર ને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. આ ગ્રીન મેરેથોન દોડનું પાલનપુરના ધારાસભ્ય અનિકેત ઠાકરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.
છેલ્લા 60 વર્ષથી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલી ઇનરવ્હીલ ક્લબ ઓફ પાલનપુર અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે યોજાયેલી ગ્રીન મેરેથોનમાં યુવાનો અને મહિલાઓથી લઈને સિનિયર સીટીઝનોએ પણ ભાગ લેતા વ્યાપક પ્રતિસાદ સાંપડ્યો હોવાનો દાવો ઇનર વ્હીલ કલબ ના પ્રમુખ કિરણ જોશી અને કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસીએશનના પ્રમુખ મેહુલ સોનીએ જણાવ્યું હતું.
આ ગ્રીન મેરેથોનમાં મારુ પાલનપુર સ્વચ્છ પાલનપુર અને પ્લાસ્ટિક મુક્ત પાલનપુર બની રહે તે માટે 66 વર્ષીય સિનિયર સીટીઝન પણ જોડાયા હતા. પર્યાવરણ જાગૃતિ માટે ની 3 અને 5 કિલોમીટરની મેરેથોન યોજાઈ હતી. જેમાં દિવ્યાંગ લોકોએ પણ સાયકલ રેસમાં ભાગ લીધો હતો. આ ગ્રીન મેરેથોન દોડમાં વિજેતા બનેલ દોડવીરોને પ્રમાણપત્ર તેમજ ટ્રોફી આપી સન્માનિત કરાયા હતા.