દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે સંસદમાં ધક્કો મારવાની ઘટનાની તપાસ માટે સાત સભ્યોની એસઆઈટી ની રચના કરી છે. મારામારીમાં ભાજપના બે સાંસદો પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત પણ ઘાયલ થયા હતા. સંસદમાં થયેલી મારામારીની તપાસ હવે વેગ પકડવા લાગી છે. આ કેસને પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશનથી દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચમાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. હવે તેની તપાસ ક્રાઈમ બ્રાંચના ચાણક્યપુરી સ્થિત યુનિટ દ્વારા કરવામાં આવશે.
સંસદ સંકુલમાં સાંસદો વચ્ચે ઝપાઝપીનો આ મામલો છે જેમાં ભાજપના બે સાંસદ પ્રતાપ સારંગી અને મુકેશ રાજપૂત ઘાયલ થયા છે. બંનેની આરએમએલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આવી સ્થિતિમાં મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને ક્રાઈમ બ્રાન્ચની એસઆઈટી ટીમની રચના કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચની આ એસઆઈટી ની ટીમમાં 2 એ.સી.પી, 2 ઈન્સ્પેક્ટર અને 3 સબ ઈન્સ્પેક્ટર હશે જેઓ સીધો DCPને રિપોર્ટ કરશે. આ કેસની તપાસમાં 2 એ.સી.પીનો એસઆઈટીમાં સમાવેશ કરવામાં આવ્યો છે કારણ કે આ કેસ રાજકીય રીતે હાઈપ્રોફાઈલ છે.
આ મામલે કોંગ્રેસે ભાજપના સાંસદો વિરુદ્ધ સંસદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે. કોંગ્રેસે પોતાની ફરિયાદમાં બીજેપી સાંસદો પર ઈરાદાપૂર્વક રસ્તો રોકવાનો અને દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસે ફરિયાદ કરી છે કે મલ્લિકાર્જુન ખડગેને જાણી જોઈને નીચે ધકેલવામાં આવ્યા હતા. જેના કારણે તેના બંને ઘૂંટણમાં ઈજા થઈ હતી.