પાણી યુક્ત દૂધ ભરાવીને મંડળીના સ્ટાફ સાથે મળીને ડેરીને રૂ.20 લાખના ખાડામાં ઉતારી
સ્ટાફ સાથે હપ્તાનું સેટિંગ કરી ડેરી સાથે કરાઈ છેતરપિંડી: પાલનપુર તાલુકાના સેમોદ્રા દૂધ મંડળીમાં એક ગ્રાહક મંડળીના સ્ટાફને પત્રમ્ પુષ્પમ કરી ભેળસેળ દૂધ પધરાવી ડેરીને રૂ. 20 લાખના ખાડામાં ઉતારી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ અંગે દૂધ મંડળીના ચેરમેને ચાર ગ્રાહક, ડેરીના મંત્રી અને બે કર્મચારીઓ સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ, સેમોદ્રા ગામનો ઇકરામ ભાઇ અબ્દુલસત્તાર ઘઘા પોતાના પશુ તેમજ પરિવારના સુફિયાબેન યુનુસભાઇ ઘઘા, અબ્દુલહક સુલેમાનભાઇ ઘઘા, મહેસુરાબેન આરીફભાઇ ઘઘાના પશુઓના દૂધમાં પાણી ભેળવતો હતો. જે દૂધ ડેરીમાં ભરાવવા માટે તેમજ ચોખ્ખા દૂધની બરણીમાંથી ઉંચો ફેટ આપવા માટે ડેરીના ટેસ્ટર શૈલેષજી વાલાજી ઠાકોર અને ભીખાભાઇ રાજસંગભાઇ ઉપલાણાને મહિને પોતાના પગારમાંથી હપ્તો આપતો હતો. આ કૌભાંડ પ્રકાશમાં આવતાં બનાસડેરીએ દૂધ મંડળીને રૂપિયા 20 લાખનો દંડ કર્યો હતો. જેમાં દૂધ મંડળીના મંત્રી રામજી ભાઇ વીરસંગભાઇ પટેલ પણ જવાબદાર હોઇ તમામની સામે દૂધ મંડળીના ચેરમેન ધનરાજ ભાઇ પરથીભાઇ પટેલે પાલનપુર તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
બનાસડેરીની ટીમની તપાસમાં ભાંડો ફૂટ્યો: બનાસડેરીની ટીમ સેમોદ્રા દૂધ મંડળીમાં તપાસ માટે આવી હતી. ત્યારે ઇકરામ ઘઘાના દૂધનો ફેટ અને એસ. એન. એફ. આવ્યા ન હતા. વળી તે દિવસે પરિવારના ચાર સદસ્યોના પશુઓનું દૂધ પણ ડેરીમાં આવ્યું ન હતુ. જેથી ટીમને શંકા જતાં બીજા દિવસે ઇકરામ ઘઘા સહિત ચારેય ગ્રાહકોના ખેતરમાં રૂબરૂ જઇ પશુઓ દોવરાવ્યા હતા. જ્યાં દૂધ ઓછુ આવ્યું હતુ. જેમને દૂધ મંડળીમાં લઇ આવ્યા હતા. જ્યાં ઇકરામ ઘઘાએ દૂધમાં પાણી ભેળવવાનું અને ઉંચા ફેટ માટે કર્મચારીઓને હપ્તા આપતો હોવાનો એકરાર કર્યો હતો.