પાલનપુરના એરોમા સર્કલથી બિહારી બાગ સુધી એલિવેટેડ બ્રિજ અને અંડર પાસ બનાવવા સાંસદની માંગ
કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રજુઆત કરતા ગેનીબેન ઠાકોર; પાલનપુરના એરોમાં સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નિતનવા ગતકડાંથી સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે. ત્યારે બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે આજે કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને મળી લેખિત રજુઆત કરી હતી. જેમાં પાલનપુરના એરોમા સર્કલ થી બિહારી બાગ પારપડા રોડ સુધી એલિવેટેડ ઓવર બ્રિજ યા અંડર પાસ બનાવવાની માંગ કરી છે.
પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા શિરદર્દ પુરવાર થઇ રહી છે. પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની 7થી 10 મીટરની લેફટ સાઈડ વળવા લેન બનાવવામાં આવી છે. પરંતુ આ સાઈડ લેન બનાવવાથી ટ્રાફિક સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે. ત્યારે બનાસકાંઠાના મહિલા સાંસદ ગેનીબેન ઠાકોરે આજે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીને રૂબરૂ મળી લેખિત રજુઆત કરી હતી. જેમાં તેઓએ ટ્રાફિક સમસ્યાથી ઝઝૂમતા બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર ખાતેના નેશનલ હાઇવે-27 પર એરોમા સર્કલથી બિહારી બાગ પારપડા રોડ સુધી એલિવેટેડ બ્રિજ અથવા તો અંડર પાસ બનાવી આપવાની માંગ કરી છે.