ડીસાના ખેડૂત પાસેથી બટાકા ખરીદી પૈસા ન આપતા કોલ્ડ સ્ટોરેજ સંચાલકને એક વર્ષની કેદ

ડીસાના ખેડૂત પાસેથી બટાકા ખરીદી પૈસા ન આપતા કોલ્ડ સ્ટોરેજ સંચાલકને એક વર્ષની કેદ

કોલ્ડ સ્ટોરેજ સંચાલકે આપેલો ચેક રિટર્ન થતા કોર્ટે સજા ફટકારી: ડીસાના ખેડૂત પાસેથી બટાકા ખરીદી કોલ્ડ સ્ટોરેજ સંચાલકે રૂ. 2.56 લાખનું પેમેન્ટ ન ચૂકવતા તે પેટે આપેલો ચેક રીટર્ન થતા ડીસાની એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટે કોલ્ડ સ્ટોરેજ સંચાલકને એક વર્ષની કેદની સજા તેમજ રૂપિયા 2.56 લાખ વળતર પેટે ચૂકવવાનો હુકમ કર્યો છે.

આ અંગેની વિગત એવી છે કે, ડીસા તાલુકાના જુના ડીસા ખાતે રહેતા સાગરભાઇ વેરશીભાઈ પ્રજાપતિએ પોતાના ખેતરમાં બટાકા વાવેલ હતાં.જે રાજુભાઈ ચતરાજીને વેચાણથી આપ્યા હતાં.જેના તેઓને પૈસા લેવાના હોઈ બટાકાની ઉઘરાણી કરતા રાજુભાઈએ જણાવેલ કે બટાકા ડીસાના દામા ખાતે અગ્રવાલ એગ્રી. લોજીસ્ટિક કોલ્ડ સ્ટોરેજમાં પડયા છે. જ્યાંથી બટાકા વેચીને તમે પૈસા લઈ લો. જેથી સાગરભાઈએ કોલ્ડ સ્ટોરેજ સંચાલક શાન્તિલાલ અમરતલાલ સાંખલાને વાત કરતા તેઓએ બટાકા પોતે વેચાણથી રાખી તેના બિલ પેટે રૂ.2,56,510 નો બેન્ક ઓફ ઇન્ડિયા ડીસા શાખાનો શાંતિલાલે ચેક આપ્યો હતો.

જે ચેક તેઓએ બેંકમાં નાખતા “ફંડ ઈન સફિસિયન્ટ” ના શેરા સાથે  પરત આવ્યો હતો .જેથી સાગરભાઈએ તેમના વકીલ મારફત નોટિસ મોકલી હતી પરંતુ તેનો કોઈ જવાબ કે પૈસા ન ચૂકવી શાંતિલાલનો ઇરાદો સાગરભાઈને છેતરવાનો હોવાનું સાબિત થયું હતું. જેથી તેઓએ ડીસા કોર્ટમાં ચેક રીટર્ન અંગેનો કેસ દાખલ કર્યો હતો.

જે કેસ ચાલી જતા ડીસા કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ યોગેશભાઈ એન.પટેલે ફરિયાદી પક્ષના વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી હતી તેમજ આરોપી શાંતિલાલ અમરતલાલ સાંખલાને ધી નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ 138 ના ગુના માટે એક વર્ષની સાદી કેદની સજા તેમજ હુકમની તારીખથી 30 દિવસમાં ફરિયાદીને ચેકની રકમ વળતર તરીકે ચૂકવી દેવાનો આદેશ કર્યો હતો.જો આરોપી ચેકની રકમ ન ચૂકવે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવાનો પણ હુકમ કર્યો હતો.ચેક રિટર્નના ગુનાની અને વળતર કસૂરની બંને સજા અલગ અલગ હોઈ અલગ અલગ ભોગવવા તેમજ આરોપી હાજર ન હોઈ તેનું પકડ વોરંટ કાઢવાનો પણ આદેશ કર્યો હતો.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *