થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનોનું વળતર ગામની બજાર કિંમત મુજબ યા મુસદારૂપ જંત્રી- 2024 અમલમાં મુક્યા બાદ તે જંત્રી મુજબ વળતર ચુકવવા બાબતે થરાદ અમદાવાદ રોડ પરના વિવિધ ગામોના બહોળી સંખ્યામાં ખેડૂતો નાયબ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે માં સંપાદિત થતી જમીનના અસર ગ્રસ્ત ખેડૂત ખાતેદારોએ નાયબ કલેકટર કચેરીએ આવેદનપત્ર આપી રજૂઆત કરી જણાવ્યું હતું કે, અમો થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વે માં અમારી મહામુલી જમીન સંપાદન થનાર છે. જે જમીન વડીલો પાર્જીત બાપ-દાદા વખતથી ખેતીની જમીન ધારણ કરીએ છીએ અને આ ખેતીની જમીન જે અમારા કુટુંબના આજીવીકાનો મુખ્ય સ્રોત છે. આ જમીન સંપાદન થવાથી અમારા કુટુંબની આજીવીકા છીનવાઈ જાય તેમ છે.
હાલની જંત્રી 2011 માં બનેલ છે. જે હાલમાં અમલી છે. જ્યારે અમારા થરાદ તાલુકામાંથી નર્મદા મુખ્ય કેનાલ પસાર થયેલ છે. તો નર્મદા કેનાલના આવવાથી ખેતીમાં બારે માસ પિયત થવાથી ખેતી પાકમાં અમુલ પરીવર્તન આવેલ છે. અમારા ખેતરોમાં શિયાળુ, ઉનાળુ, ચોમાસુ એમ ત્રણે સિઝન પાકો લેવાય છે. જેથી અમારી ખેડૂતોની સમૃધ્ધિમાં વધારો થયેલ છે. થરાદ વિસ્તારમાંથી જામનગર-અમૃતસર ભારતમાલા રોડ પસાર થયેલ છે. જેના લીધે થરાદનો વિકાસ વેગવંતો બનેલ છે. થરાદમાં સરકારી કોલેજો, એગ્રી કલ્ચર કોલેજ, સિવિલ હોસ્પિટલ તેમજ નવિન જી.આઈ.ડી.સી. મંજુર થયેલ છે. તેમજ ગ્રામ્ય વિસ્તારમાં રોડ કનેક્ટીવીટી થતાં થરાદનો તેમજ ગામડાનો વિકાસ મોટા પાયે થયેલ છે.
થરાદમાં ઉત્તર ગુજરાતની મોટામાં મોટી માર્કેટયાર્ડ આવેલ છે. જેના લીધે ખેડૂતોમાં સમૃધ્ધિ આવેલ છે. જેના લીપે થરાદ આજુબાજુમાં જમીનનોના ભાવ છેલ્લા 10 વર્ષમાં આસમાને ગયેલ છે. જેથી જંત્રી 2011 માં બનેલ છે અને તેને 14 વર્ષ જેટલો સમય થયેલ છે. જેથી જંત્રીના ભાવ અને જમીનની બજાર કિંમતના ભાવ વચ્ચે ઘણો જમીન-આસમાનનો તફાવત છે. જેથી થરાદ-અમદાવાદ એક્સપ્રેસ વેમાં સંપાદિત થતી જમીનનું બજાર કિંમત મુજબ યા મુસદારૂપ નવીન જંત્રી- 2024 અમલમાં આવ્યા બાદ સંપાદન એવોર્ડ કરવા વિનંતી છે.