આગામી ૧૩ જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે પોષી પુનમ મહોત્સવની ભવ્ય ઉજવણી કરાશે

બનાસકાંઠા
બનાસકાંઠા

સમગ્ર અંબાજી નગરમાં શોભાયાત્રાનું કરાશે આયોજન, ૩૫થી વધુ ઝાંખીઓ અને ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું કરાશે વિતરણ

શક્તિપીઠ અંબાજી વિશ્વભરના શક્તિ ઉપાસકોની આસ્થાનું કેન્દ્ર છે. પોષ સુદ પુનમ એટલે કે આદ્યશક્તિ માં જગદંબાના પ્રાગટ્ય દિન તરીકે ઉજવાય છે. માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે દર વર્ષે બહોળી સંખ્યામાં યાત્રાળુઓ દર્શન કરી ધન્યતા અનુભવે છે. આગામી પોષી પુનમ મહોત્સવની અગત્યની બાબતો જેવી કે દર્શન વ્યવસ્થા, ભોજન, શોભાયાત્રા, મહાશક્તિ યજ્ઞ વગેરેના આયોજન અંગે વહીવટદાર અને અધિક કલેકટર કૌશિક મોદીના અધ્યક્ષસ્થાને સબંધિત સભ્યઓ સાથે બેઠક યોજાઈ હતી.

અંબાજી મંદિર ટ્રસ્ટ અને ધાર્મિક ઉત્સવ સેવા સમિતિ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાશે. શક્તિદ્વારથી હાથી ઉપર માં અંબાની શોભાયાત્રાની શરૂઆત કરી સમગ્ર અંબાજી નગરમાં પ્રસ્થાન કરવામાં આવશે. શોભાયાત્રામાં ૩૫ કરતાં વધુ ઝાંખીઓ રજૂ કરાશે જેમાં વિવિધ પ્રકારના રથો દ્વારા નગર યાત્રા કરવામાં આવશે, શોભાયાત્રામાં ૨૧૦૦ કિલો સુખડીના પ્રસાદનું વિતરણ કરાશે. અંબાજી મંદિરમાં શાકોત્સવ – શાકભાજીનો અન્નકૂટ પણ કરવામાં આવશે.

ટ્રસ્ટ સંચાલિત અંબિકા ભોજનલાય ખાતે અંબિકા અન્નક્ષેત્રમાં નિ:શુલ્ક મિષ્ઠાન ભોજનની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવશે. રાત્રિના ૮.૦૦ કલાકે અંબાજી મંદિરના ચચારચોકમાં અંબાજીની વિવિધ શાળાઓના બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવશે. આ બેઠકમાં અંબાજી ધાર્મિક ઉત્સવ સેવા સમિતિના સભ્યો, દેવસ્થાન ટ્રસ્ટના એસ્ટેટ ઓફિસરશ્રી પાયલબેન પટેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.