આદિજાતિ વિદ્યાર્થીઓની વ્હારે આવ્યા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ પાલનપુર આદિજાતિ કચેરીએ નકલી નોટો ઉછાળી જતાવ્યો વિરોધ
આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ પુનઃ શરૂ કરવાની માંગ
વિધાનસભામાં નકલી નોટોનો વરસાદ કરવાની ચીમકી
રાજ્ય સરકાર દ્વારા આદિજાતિ વિદ્યાર્થીઓની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ બંધ કરાઇ છે. ત્યારે આદિજાતિ વિદ્યાર્થીઓની વ્હારે આવતા વિદ્યાર્થી નેતા યુવરાજ સિંહ જાડેજા આજે પાલનપુર આવી પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આદિજાતિ કમિશ્નરની કચેરીએ નકલી નોટો વરસાવી વિરોધ જતાવતા આવેદનપત્ર આપ્યું હતું.
રાજ્યના આદિજાતિ વિદ્યાર્થીઓ ને સરકાર દ્વારા 2010 થી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ અપાતી હતી. જો કે, છેલ્લા કેટલાક સમયથી મેનેજમેન્ટ કવોટામાં આ શિષ્ય વૃતિ સરકાર દ્વારા બંધ કરી દેવાતા ડીગ્રી, ડિપ્લોમા કે નર્સિંગ કરવા ઇચ્છતા આદિજાતિ વિદ્યાર્થીઓ મુશ્કેલીનો સામનો કરવા મજબુર થયા છે. આ શિષ્યવૃતિ ફરી શરૂ કરવા આદિજાતિ વિદ્યાર્થીઓ દ્વારા તંત્રને અનેકવાર રજુઆત કરાઈ હતી. પરંતુ તે રજૂઆતો તંત્રના બહેરા કાને અથડાઈને પરત ફરતા કોઈ ઉકેલ ન આવતા આજે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પાલનપુર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ આદિજાતિ વિદ્યાર્થીઓને સાથે રાખી રેલી યોજી પાલનપુરની આદિજાતિ મદદનિશ કમિશનરની કચેરીએ પહોંચ્યા હતા. જ્યાં વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ દ્વારા કચેરીમાં નકલી નોટોનો વરસાદ કરી વિરોધ કરાયો હતો. તેઓએ શિષ્યવૃતિ શરૂ નહીં થાય તો આગામી દિવસોમાં આદિજાતિ કચેરીઓને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
વિધાનસભામાં નકલી નોટોનો વરસાદ કરવાની ચીમકી: એકબાજુ સરકાર તાયફાઓ કરી છાત્રોને શિષ્યવૃતિથી વંચિત રાખી કરોડો રૂપિયાનું આંધણ કરી રહી છે. બીજી બાજુ આદિજાતિના વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જાય છે. ત્યારે રાજ્યમાં નકલીઓની ભરમાર વચ્ચે નકલી નોટોનો વરસાદ આગામી દિવસો માં વિધાનસભામાં પણ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.
તાયફાઓ પાછળ 50, 000 છાત્રોની રૂ. 500 કરોડની શિષ્યવૃતિનો વ્યય: રાજ્ય સરકાર આદિજાતિના છાત્રોને શિષ્યવૃતિથી વંચિત રાખતા તેઓ શિક્ષણથી પણ વંચિત રહી જાય છે. તાયફાઓ કરવા જાણીતી સરકાર 50,000 છાત્રોની અંદાજે રૂ.500 કરોડની શિષ્યવૃતિનો તાયફાઓ પાછળ વ્યય કરી રહી છે. ત્યારે બનાસકાંઠા જિલ્લાના 20,000 સહિત રાજ્યભરના આદિજાતિ ના છાત્રોને સ્પર્શતા આ મુદ્દાને લઈને આગામી દિવસોમાં ઉમરગામથી અંબાજી સુધીની આદિજાતિ કચેરીઓને તાળાંબંધી કરવાની ચીમકી યુવરાજસિંહ જાડેજાએ ઉચ્ચારી હતી.