સસ્તા અનાજના દુકાનદારને લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.2000 પડાવી લીધા હોવાની રાવ
મોરિયામાં તોડ કરવા જતાં કથિત ચાર પત્રકારો ઝડપાયા
નડિયાદ અને ભરૂચના ચાર પત્રકારો સામે પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ: પાલનપુર તાલુકાના મોરિયા ગામ ની સસ્તા અનાજની દુકાનના સંચાલક પાસે રૂ.10 હજારની માંગણી કરી તોડ કરવા જતાં ચાર કથિત બોગસ પત્રકારો ઝડપાઇ ગયા હતા. જેઓની સામે પાલનપુર તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પાલનપુર તાલુકાના મોરિયા ગામમાં સસ્તા અનાજની દુકાન ધરાવતા રાજેશભાઈ બારોટની દુકાન પર ગતરોજ બપોરે પુરવઠા વિભાગની ગાડી અનાજનો જથ્થો ઉતારવા આવી હતી. ત્યારે સફેદ કલરની કાર લઈને આવેલા ચાર શખ્સોએ પત્રકાર તરીકેની ઓળખ આપી ફોટા પાડી વીડિયો ઉતાર્યો હતો. બાદમાં તમે રેશનિંગ ના જથ્થાની કાળા બજારી કરતા હોવાનું જણાવી દુકાનનું લાઇસન્સ રદ કરાવવાની ધમકી આપી રૂ.10, 000 ની માંગ કરી હતી. જોકે, દુકાનદારે રૂપિયાન આપતા સમાચારો છાપવાની ધમકી આપી રૂ.2000 બળજબરીથી પડાવી લીધા હોવાનું ફરિયાદી રાજેશકુમાર પોપટલાલ બારોટે જણાવ્યું હતું.
આ અંગે દુકાનદાર રાજેશ બારોટે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે નડિયાદના જય શ્રીમાળી, ભરૂચ ના ગૌતમ ડોડીયા, નડિયાદના હાર્દિક દેવકીયા અને ભરૂચના નૂર મહંમદ અબ્દુલ્લા પટેલ સામે ગુનો નોંધી તેઓની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી હોવાનું પાલનપુર તાલુકા પી.આઈ.એમ.આર.બારોટે જણાવ્યું હતું.
Tags extorted license shopkeeper