બનાસકાંઠા જિલ્લાના થરાદ વાવ સુઈગામ સહિત વિસ્તારમાંથી પસાર થતી નર્મદા કેનાલ આમ તો ખેડૂતોના જીવા દોરી સમાન કેનાલ છે. રવિ સિઝન ચાલુ થાય તેના પહેલા કરોડોના ખર્ચે સફાઈ કામ નર્મદા નિગમ દ્વારા ટેન્ડરો બહાર પાડવામાં આવ્યા હતા. પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મેલી મુરાદના કારણે નર્મદા કેનાલોની પૂરતી સફાઈ ના થતાં આજે તેનો ભોગ ખેડૂતો બની રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાંથી ખેડૂતો માટે જીવાદોરી સમાન પસાર થતી નર્મદાને કેનાલ નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો અને ઓપરેટરોની મનમાની સામે આજે પણ ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. થરાદ તાલુકામાંથી પસાર થતી સેરાઉ સહિત છેવાડાના વિસ્તારમાંથી પસાર થતી કેનાલ ઓવર ફલો થતાની સાથે જ અલગ અલગ બે ખેડૂતોના ખેતરો જળબંબાકાર થઈ ગયાં હતા.જેથી ખેડૂતોના ઉભા પાક જીરું, રાઈ અને દિવેલાના પાકમાં પાણી ભરાતા ખેડૂતોની છેલ્લા એક બે માસની મહેનત બાદ રાતા પણીએ રોવાનો વારો આવ્યો હતો. ભોગ બનેલા ખેડૂતોએ નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરી હતી અને અધિકારીઓ કેનાલ પર જવા રવાના થયાં હતાં. જોકે કેનાલ તુટતા ખેડૂતોના ખેતરોમાં ઉભા પાકમાં પાણી ફરી વળ્યું હતું અને ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન ભોગવવાનો વારો આવ્યો હતો.
બીજી બાજુ ખેડૂતે સોશિયલ મીડિયામાં પોતાની રજૂઆત અને વેદના વ્યક્ત કરતાનો વીડિયો વાઇરલ કર્યો હતો. તેમાં જણાવ્યું હતું કે, નર્મદા નિગમના અધિકારીઓને જાણ કરવા છતાં નર્મદા નિગમના અધિકારીઓ ખેડૂતોની વેદના સમજતા નથી. કેનાલ ઓવર ફ્લો થાય છે તે બાબતે જાણ કરવા છતાં નર્મદા નિગમ દ્વારા પાણી ઓછું ના કરાવતા આખરે તેના કારણે અમારા ખેતરોમાં કેનાલ તૂટી ગઈ છે. જેથી જીરું, રાઈ દિવેલા અને દાડમના પાકમાં પાણી ભરાયા છે. વધુમાં તેને જણાવ્યું હતું કે, પાકમાં પાણી ભરાયા છે તેનાથી અમારે મોટું નુકસાન વેઠવવાનો વારો આવ્યો છે. રવિ પાકોમાં હજારો રૂપિયાનો ખર્ચે કરી નિંદામણ દવા છાંટકાવ કરી તૈયાર કર્યું હતું. પરંતુ પાણી ભરાઈ જવાના કારણે હવે બરબાદ થવાનો વારો આવ્યો છે. ત્યારે આવા અધિકારીઓ કોન્ટ્રાક્ટરો અને ઓપરેટરો સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને અમને થયેલું નુકસાનનું પૂરતું વળતર આપવામાં આવે તેવી માગ કરી હતી.