ડીસા નગરપાલિકાના આંતરિક વિખવાદના કારણે તાજેતરમાં ભાજપના મહિલા પ્રમુખ સંગીતાબેન દવેએ રાજીનામુ આપ્યું હતું. પરંતુ રાજીનામુ આપ્યા બાદ તેમના દ્વારા ભાજપના ધારાસભ્ય અને સભ્યો સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા. તેમજ ડીસામાં વસતા તેમના સમર્થક એવા ભૂદેવ આગેવાનોએ પણ વર્ષોથી ભાજપને વફાદાર બ્રહ્મ સમાજને ખોટી રીતે ટાર્ગેટ કરાતો હોવાનું જણાવી ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી.જેને લઈ જિલ્લાનું રાજકારણ ગરમાયુ હતું.
જે મામલે ડીસા ભાજપ કાર્યાલય ખાતે બ્રહ્મ સમાજના આગેવાનોની બેઠક મળી હતી.જેમાં નગર પાલિકાના ભાજપના સભ્યો તેમજ પાર્ટીના બ્રહ્મ સમાજના અન્ય હોદેદારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને તમામે એક સુરે તેમના આ આક્ષેપોને પાયાવિહોણા ગણાવી ફગાવી દઈ ભુદેવોને ભાજપે ખુબ આપ્યું હોવાનું જણાવ્યું હતું. બેઠકમાં પાલિકાના ઉપપ્રમુખ શૈલેષભાઇ રાયગોર, કનુભાઈ વ્યાસ, વાસુભાઈ મોઢ, અમીત રાજગોર સહિત બ્રહ્મ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા.