થરાદના વામી ગામના મગનભાઈ પીરાભાઈ પરમારએ થરાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે તેઓ સોમવારે પોતાના પુત્ર સાથે મોટરસાયકલ પર થરાદ જવા નીકળેલ હતા. આ વખતે તેમની પત્ની અને બે સગીર સહિત ત્રણ પુત્રીઓ તેમના ઘરે હતી. આ વખતે બપોરના સુમારે તેમના પત્નીએ ફોનથી જણાવેલ કે તેણી ગામમાં દરણું દળાવવા ગયેલ હતાં અને પરત આવતા ત્રણેય દીકરીઓ ઘરે જોવા મળતી નથી આજુબાજુ તથા ખેતરોમાં શોધખોળ કરવા છતાં પણ કોઈ પત્તો લાગ્યો ન હતો.
આથી કોઈ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેઓનું અપહરણ કરી લઈ ગયેલ હોવાની આશંકાએ થરાદ પોલીસ મથકમાં જાણ કરી હતી. આથી પોલીસે અજાણ્યા વ્યક્તિ સામે પુત્રીઓનું અપહરણ કર્યાનો ગુનો દાખલ કર્યો હતો.
તેમજ કંટ્રોલરૂમમાં જાણ કરી થરાદ અને આજુબાજુના રસ્તાઓ સહિત નાકાબંધી કરી કેટલીક ટીમો બનાવી હતી. અને રાજસ્થાનમાં પણ દોડી જઇને શોધખોળ હાથ ધરી હતી.જોકે બુધવારે સાંજે આ ત્રણેય પુત્રીઓને પાટણ જીલ્લાની સમી પોલીસને મળતાં તેમના દ્વારા રોકી રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, જેમનો થરાદ પોલીસ કબજો લેવા માટે રવાના થઈ હતી. બનાવના પગલે થરાદ સહિત બનાસકાંઠાની પોલીસમાં ભારે દોડધામ પ્રસરી જવા પામી હતી.
બીજી બાજુ સોશિયલ મીડિયામાં પણ ત્રણેય પુત્રીઓના ફોટા સાથે કોઈને ભાળ મળે તો તાત્કાલિક તેમના પરિવારનો સંપર્ક કરવા નંબર્સ સાથેની વિનંતીઓ પણ વાયરલ કરવામાં આવી હતી. આખરે પ્રાથમિક દષ્ટીએ આવી અપહરણની ઘટના ન હોવાનું પ્રતિત થતાં પોલીસ સહિત પ્રજાજનોએ પણ હાશકારો અનુભવ્યો હતો.
પોલીસને તપાસ દરમિયાન ચિઠ્ઠી મળ્યાની ચર્ચા: પોલીસસુત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે પોલીસે આ ત્રણેય ગુમ દીકરીઓના ઘરે તપાસ કરતાં એક ચિઠ્ઠી પણ મળી આવી હતી. જેમાં પારિવારિક કારણોસર તેઓ કેનાલમાં પડવા જઈ રહી હોવાનું પણ જણાવ્યું હતું આથી પોલીસ દ્વારા ટીમ બનાવીને કેનાલ પર પણ તપાસ હાથ ધરવામાં આવી હતી.જો કે ત્રણેય દિકરીઓને પોલીસમથકમાં લવાયા બાદ સાચી હકીકત બહાર આવશે એમ પણ સુત્રોએ જણાવ્યું હતું.