પાલનપુર પ્રાંત, મામલતદાર, આરટીઓ, પોલીસ, પાલિકાએ કરી સમીક્ષા
હાઇવે પરના દબાણો હટાવી ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કરાયું
પાલનપુરના એરોમાં સર્કલ પરની ટ્રાફિક સમસ્યાને લઈને તંત્રના નિતનવા ગતકડાંથી સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે. ત્યારે આજે પાલનપુર પ્રાંત અધિકારી, મામલતદાર, આરટીઓ અને પાલિકાની ટીમે એરોમાં સર્કલની મુલાકાત લઈ ટ્રાફિકની સમસ્યાની સમીક્ષા કરી હતી. તંત્ર દ્વારા હાઇવે પરના દબાણો દૂર કરાવી ટ્રાફિક સિગ્નલ નું ટેસ્ટિંગ કરાયું હતું. જોકે, તંત્ર ના નિતનવા ગતકડાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
પાલનપુરના એરોમા સર્કલ ઉપર ટ્રાફિકની સમસ્યા માથાનો દુખાવો પુરવાર થઇ રહી છે. પાલનપુરના એરોમા સર્કલ પર સર્કલ કાઢી નાખ્યા બાદ હાલમાં ડાબી બાજુ વળવા માટે વધારાની 7થી 10 મીટરની લેફટ સાઈડ વળવા લેન બનાવવામાં આવી છે. પરંતુ આ સાઈડ લેન બનાવવાથી ટ્રાફિક સમસ્યા સુલઝવાને બદલે વધુ વકરી રહી છે. સાઈડ લેન પર જ ટ્રાફિકનો જમેલો હોઈ સાઈડ લેન બિન ઉપયોગી પુરવાર થતા ઉલ્ટા નો રોડ સાંકડો બનતા ટ્રાફિક જામ થતા કલાકો સુધી વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાઈ રહ્યા છે. જેને લીધે માનવ કલાકો સાથે ઇંધણનો વેડફાટ થઈ રહ્યો છે. જેથી વાહન ચાલકો તંત્રના નિતનવા ગતકડાં સામે ભારે રોષ ઠાલવી રહ્યા છે.
જોકે, આજે જવાબદાર તંત્ર દ્વારા હાઇવે પરના લારી-ગલ્લા અને ખાનગી વાહનોના દબાણો દૂર કરાયા હતા. અને ટ્રાફિક સિગ્નલનું ટેસ્ટિંગ કરાયું હતું. જોકે, ટ્રાફિક સિગ્નલ પણ નિષ્ફળ પુરવાર થતા વાહનોની ચારે બાજુ લાંબી કતારો લાગતા વાહન ચાલકો અકળાઈ ઉઠ્યા હતા. તેઓએ ટ્રાફિક સિગ્નલ અને સાઈડ લેન બનાવવાથી જ ટ્રાફિક વધુ વકર્યો હોવાનો ઉભરો ઠાલવ્યો હતો. આમ, લાખો રૂપિયાના આંધણ કરવા છતાં તંત્રની કવાયત વિફળ રહેતા એરોમાં સર્કલની ટ્રાફિક સમસ્યા ઠેરની ઠેર રહેવા પામી છે.