દેહરાદૂનથી આનંદ વિહાર જઈ રહેલી વંદે ભારત એક્સપ્રેસ (ટ્રેન નંબર 22458) પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. મેરઠથી મોદીનગર આવતી વખતે સ્ટેશનથી લગભગ 5 કિલોમીટર પહેલાં આ ઘટના બની હતી, જ્યારે કેટલાક અસામાજિક તત્વોએ ટ્રેનના E1 અને C4 કોચ પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાના કારણે ટ્રેનના કાચ તૂટી ગયા હતા. જો કે જાન-માલનું કોઈ નુકસાન થયું ન હતું. આ મામલે FIR નોંધવામાં આવી છે. પથ્થરબાજો આ ટ્રેનને સતત નિશાન બનાવી રહ્યા છે. રેલ્વે પોલીસ દ્વારા દાખલ કરાયેલા અહેવાલ મુજબ દેહરાદૂનથી દિલ્હી આનંદ વિહાર જતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પહેલા જ મોદીનગર વિસ્તારમાં પથ્થરમારાની શિકાર બની ચુકી છે.
ગાઝિયાબાદ પોલીસના જણાવ્યા અનુસાર ચારેય ઘટનાઓ નોંધવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. પોલીસનું કહેવું છે કે ટ્રેકની આસપાસ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે જેથી આરોપીની ઓળખ થઈ શકે. જોકે, પથ્થરમારાની સતત ઘટનાઓએ રેલવે પ્રશાસન અને પોલીસ બંને માટે ચિંતા વધારી છે.