દિલ્હીમાં કોરોનાએ ઉથલો માર્યો : 10 દિવસમાં 50 હજાર કેસ, 400થી વધુનાં મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

દેશના પાટનગર નવી દિલ્હીમાં કોરોનાનો વિસ્ફોટ થયો હોય એમ દસ દિવસમાં કોરોનાના પચાસ હજાર નવા કેસ આવ્યા હતા. 400થી વધુ લોકોનાં મરણ થયાં હતાં. એક તરફ શિયાળાનો આરંભ અને બીજી બાજુ પાડોશનાં રાજ્યોમાં પરાળ બાળવાથી પાટનગરની હવા ઝેરી બની ચૂકી હતી. એવામાં કોરોનાએ ફરી કાળો કેર વર્તાવવાનું શરૂ કરી દીધું હતું. છેલ્લા ચોવીસ કલાકમાં 6,725 નવા કેસ સામે આવ્યા હતા અને 48 દર્દીઓ મરણ પામ્યા હતા. ઓક્ટોબરની 25મીથી નવેંબરની ત્રીજી વચ્ચે પચાસ હજાર કેસ નવા નોંધાયા હતા.

આ સંજોગોમાં દિવાળીના તહેવારોની ઊજવણી અને બજારોમાં ખરીદી પર પ્રતિકૂળ અસર થવાની પાક્કી શક્યતા હતી. દિલ્હીમાં એર ક્વોલટી ઇન્ડેક્સ 300થી વધુ હતો. કેટલાક વિસ્તારોમાં તો 400ના આંકડાને આંબી ગયો હતો. દિવાળી જેવો તહેવારોનો રાજા નજીકમાં હોવાથી બજારોમાં ભીડ વધી હતી અને લોકો માસ્ક કે સોશ્યલ ડિસ્ટન્સી્ંગ વિના બેધડક ફરતા દેખાતા હતા. ચાંદની ચોક, સરોજિની નગર વગેરે વિસ્તારોમાં લોકોની ભીડ ખરીદી માટે ખૂબ વધી ગઇ હતી અને જાહેરમાં માઇક્રોફોન દ્વારા અપીલ કરવામાં આવવા છતાં લોકો અગમચેતીનુ પાલન કરતા દેખાતા નહોતા.

સ્થાનિક વહીવટી તંત્રે છેલ્લા ચોવીસ કલાકમાં 59, 540 લોકોના ટેસ્ટ થયા હોવાનો દાવો કર્યો હતો. દિલ્હીમાં અત્યાર સુધીમાં 6,652 લોકોનાં મરણ કોરોનાને કારણે થઇ ચૂક્યાં હતાં. છતાં લોકો હજુ પૂરી સાવચેતી રાખતા નજરે પડતા નહોતા. છેલ્લા ત્રણ ચાર દિવસથી દિલ્હીની હવા થોડી સુધરી હતી પરંતુ મંગળવાર બપોર પછી ફરી એના એક ક્વોલિટી ઇન્ડેક્સમાં વધારો થઇ ગયો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.