ગ્રામજનોની મદદથી લાશને બહાર કાઢી પીએમ અર્થે મોકલી અપાઇ
યુવક બે દિવસ અગાઉ બાઇક લઈ નીકળ્યા બાદ પરત ફર્યો ન હતો
પાલનપુર તાલુકાના કુંભલમેર ગામે મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતો એક યુવક બે દિવસ અગાઉ બાઇક લઈને નીકળ્યા બાદ ઘરે પરત ન ફરતાં તેની ભારે શોધખોળ કરવામાં આવી હતી. તેમ છતાં આ યુવકની કોઈ ભાળ મળી ન હતી અને ત્રીજા દિવસે ગામના તળાવમાંથી તેની લાશ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
પાલનપુર તાલુકાના ગણેશપુરા ગામના વતની અને હાલ કુંભલમેર ગામે પોતાના પરિવાર સાથે રહી મજૂરી કામ કરતો 32 વર્ષીય પ્રકાશજી અમરતજી ઠાકોર ગત તા.9 નવેમ્બરના બપોરના સમયે પોતાના ઘરે કોઈને કહ્યા વિના બાઈક લઈને ક્યાંક નીકળી ગયો હતો. જોકે મોડી રાત્રી સુધી આ યુવક ઘરે પરત ન ફરતા તેના પરિવાર દ્વારા તેની સગા વહાલા તેમજ સબંધીઓમા શોધખોળ કરવામાં આવી. તેમ છતાં આ ગુમ યુવકનો કોઈ પત્તો લાગ્યો ન હતો જોકે મંગળવારે ગામના તળાવમાં એક યુવકની લાશ જોવા મળતા ગામલોકો દોડી આવ્યા હતા અને મૃતકની ઓળખ કરતા તે બે દિવસ અગાઉ ગુમ થયેલ ગામનો પ્રકાશજી ઠાકોર હોવાનું માલુમ પડતાં મૃતકના પરિવારજનો દોડી આવ્યા હતા અને લાશનું પીએમ કરાવી મૃતકની અંતિમક્રિયા કરવામાં આવી હતી.