પાલનપુર માર્કેટયાર્ડના વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બળવો ભાજપના ઉમેદવારનો 07 વિરુદ્ધ 12 મતથી કારમો પરાજય

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાજપના ઉમેદવારની ભૂંડી હાર: પક્ષના મેન્ડેટને ઠોકરે ચડાવતા ડિરેક્ટરો

પાલનપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં બીજી ટર્મના ચેરમેનની બિન હરીફ વરણી થયા બાદ વાઇસ ચેરમેનની ચૂંટણીમાં બળવો થયો હતો. જેમાં ભાજપ ના મેન્ડેટવાળા સત્તાવાર ઉમેદવાર ની ભૂંડી હાર થઇ હતી. જ્યારે બળવાખોર ઉમેદવારની જીત થતા ભાજપના સહકારી આલમમાં ખળભળાટ મચી ગયો હતો.

પાલનપુર માર્કેટયાર્ડમાં પ્રથમ અઢી વર્ષની ટર્મ પુરી થતા ચેરમેન તરીકે શામળભાઈ ધરીયાની બિન હરીફ વરણી થયા બાદ ગતરોજ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેનપદ માટેની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના સત્તાવાર ઉમેદવાર ભગુભાઈ પટેલ સામે અસંતોષને લઈને મોટાભાગના ડિરેક્ટરોએ બળવાનું બ્યુગલ ફુક્યું હતું. જેથી ચૂંટણી થતા ભાજપના સત્તાવાર ઉમેદવાર ભગુભાઈ કુગશિયાને માત્ર 07 વોટ મળ્યા હતા. જ્યારે વેપારી પેનલના બળવાખોર ઉમેદવાર યશવંતભાઈ પટેલને 12 વોટ મળતા તેઓ વાઇસ ચેરમેન પદે ચૂંટાઈ આવ્યા હતા. આમ, ભાજપના મેન્ડેટને ઠોકરે મારી ડિરેક્ટરોએ ભાજપના મેન્ડેટ વિરુદ્ધ જઈ વાઇસ ચેરમેનની વરણી કરતા ભાજપની છાવણીમાં સોપો પડી ગયો હતો.

પીઠ પાછળ ખંજર ભોંક્યું:-ભગવાન કુગશિયા પાલનપુર માર્કેટયાર્ડમાં વાઇસ ચેરમેનની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે નાલેશીભરી હાર નો સામનો કરનાર ભગુભાઈ દાઢી કે ભગુભાઈ માસ્તરના હુલામણા નામે ઓળખાતા ભગુભાઈ પટેલે જણાવ્યું હતું કે, મારી જ ખેડૂત પેનલમાં મારી સાથે ચૂંટાયેલા લોકોએ મારી પીઠમાં ખંજર ભોંકયું છે. અગાઉ ભાજપના નિરીક્ષકો સામે મારા માટે અભિપ્રાય આપનારાઓએ જ મને હરાવ્યો છે. કોઈ જલસા કરવા માટે, આર્થિક પ્રલોભન કે કોઈ લાલચમાં આવી આવું પગલું ભર્યું હોવાનું તેઓએ જણાવ્યું હતું.

પાર્ટી અહેવાલ અભરાઈએ ચડાવશે? ભાજપના સત્તાવાર ઉમેદવાર ભગુભાઈ કુગશિયાએ જણાવ્યું હતું કે, હું હાર્યો એનું નહિ પણ પાર્ટી હારી તેનું દુઃખ થયું છે. પક્ષના મેન્ડેટના લીરેલીરા ઉડાડનારાઓ અંગે પાર્ટીએ મારી પાસે અહેવાલ માંગ્યો છે. જે હું મોકલીશ. અને મને વિશ્વાસ છે કે, પાર્ટી શિસ્તભંગના પગલાં જરૂર ભરશે. જોકે, અગાઉ વિધાન સભાની ચૂંટણી હોય કે માર્કેટયાર્ડ ની ચૂંટણી હોય પક્ષ વિરુદ્ધ પ્રવૃત્તિઓ કરનારા લોકો રજૂઆતો છતાં કોઈ પગલાં ભરાયા નથી. ત્યારે પાર્ટી આ અહેવાલ પણ અભરાઈએ  ચડાવશે કે શિસ્તભંગના પગલાં ભરશે તેતો આવનારો સમય જ બતાવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.