વાવ પેટા ચૂંટણી અપક્ષમાં ચાર ઉમેદવારોની દાવેદારી : ફોર્મ ભરવા હવે માત્ર બે દિવસની મુદત
ભાજપના અને સાંસદના કૌટુંબિક કાકાએ અપક્ષમાં દાવેદારી નોંધાવતા ગરમાવો
બનાસકાંઠા જિલ્લાની હાઈપ્રોફાઈલ વાવ બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. જેના ફોર્મ ભરવા માટે માત્ર બે દિવસ બાકી છે પણ ચાર અપક્ષ ઉમેદવારોની દાવેદારીને બાદ કરતાં હજી સુધી પરંપરાગત હરીફ ભાજપ અને કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા નથી.જો કે કોંગ્રેસે મોડેથી નામ જાહેર કરતા હવે ભાજપના ઉમેદવારને લઈ રહસ્ય અકબંધ જળવાયેલું રહ્યું છે.
વાવ પેટા ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. જેમાં ભાજપમાંથી 50 દાવેદારોએ ફોર્મ ભર્યા છે જ્યારે કોંગ્રેસમાંથી 8 દાવેદારોએ પોતાની દાવેદારી નોંધાવી છે તેવામાં હવે ભાજપના અને સાંસદ ગેનીબેનના કૌટુબીક કાકાએ જ અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે.વાવ વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને સાંસદના અગાઉના નિવેદનથી ઠાકોર સમાજમાં ઉહાપોહ છવાયો છે.
ત્યારે ભાભરના અબાસણા ગામના ભૂરાજી ઠાકોરે પણ અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભુરાજી ઠાકોર પૂર્વ ડેલિકેટ અને એમના ધર્મપત્ની પણ કોંગ્રેસમાંથી જિલ્લા પંચાયતના સદસ્ય રહી ચૂક્યા છે.હાલ ભાજપમાં જોડાયા બાદ તેમણે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ત્યારે ભાજપમાં અસંખ્ય દાવેદારો વચ્ચે ભુરાજી ઠાકોરે અપક્ષ દાવેદારી નોંધાવતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો જાહેર થાય તે પહેલા ચાર અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે જેથી આ અપક્ષ ઉમેદાવારો કોને નુકસાન કરી શકે છે ? તે તો આગામી સમયમાં જાણ થશે.
વાવ બેઠક કોંગ્રેસનો ગઢ કહેવાય છે જેથી કોંગ્રેસ કોઈ પણ રીતે આ બેઠક જાળવી રાખવા માંગે છે કોંગ્રેસ માટે આ વર્ચસ્વની લડાઈ બની છે અત્યારે તમામ દાવેદારો કહી રહ્યા છે કે, પાર્ટી જેની પસંદગી કરશે તેને બધા સાથે મળીને જીતાડવાનો પ્રયાસ કરીશું ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે અપેક્ષા મુજબ ગુલાબસિંહ રાજપૂતનું નામ જાહેર કર્યું છે. બીજી તરફ ભાજપ લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠા સીટ પરથી મળેલી હારને ભૂલ્યું નથી.
જેથી આ હારનો બદલો લેવા માટે ભાજપ પણ મજબુત ઉમેદવારની પસંદગીની કવાયતમાં લાગ્યું છે. ભાજપમાંથી ચૂંટણી લડવા માટે 50 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવતા ભાજપ કોનું પત્તુ કાપશે અને કોને સાચવશે ? તેને લઈને પણ ચર્ચાઓ ચાલી રહી છે. તેથી ભાજપના ઉમેદવારને લઈ જિલ્લાભરમાં ઉત્તેજના છવાઈ છે
Tags Contenders election two days vav