પોલીસ સ્મારક દિવસ: ગૃહમંત્રી અમિત શાહે શહીદ પોલીસ કર્મચારીઓને આપી શ્રદ્ધાંજલિ, જાણો 21 ઓક્ટોબરે કેમ ઉજવવામાં આવે છે આ દિવસ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે પોલીસ સ્મારક દિવસ નિમિત્તે ફરજની લાઇનમાં શહીદ થયેલા તમામ પોલીસકર્મીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. સોમવારે રાષ્ટ્ર પ્રત્યે પોલીસ કર્મચારીઓના બલિદાન માટે કૃતજ્ઞતા વ્યક્ત કરતા શાહે કહ્યું હતું કે ભારતને સુરક્ષિત રાખવામાં પોલીસ કર્મચારીઓ અને તેમના પરિવારો દ્વારા આપવામાં આવેલા અપાર બલિદાનને શ્રદ્ધાંજલિ આપવાનો આ પ્રસંગ છે. અમિત શાહે સોશિયલ મીડિયા પર દેશના શહીદ પોલીસકર્મીઓને પણ શ્રદ્ધાંજલિ આપી હતી.
અમિત શાહે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર લખ્યું, “પોલીસ મેમોરિયલ ડેના અવસર પર, હું તે શહીદોને સલામ કરું છું જેમણે સર્વોચ્ચ બલિદાન આપ્યું અને પોતાની ફરજ નિભાવતા શહીદ થયા.”
લદ્દાખના ‘હોટ સ્પ્રિંગ્સ’માં 21 ઓક્ટોબર 1959ના રોજ ભારે હથિયારોથી સજ્જ ચીની સૈનિકોએ હુમલો કર્યો હતો. આ હુમલામાં ફરજ પરના 10 પોલીસકર્મીઓ શહીદ થયા હતા. ત્યારથી, આ શહીદો અને ફરજની લાઇનમાં શહીદ થયેલા અન્ય તમામ પોલીસ કર્મચારીઓના સન્માન માટે દર વર્ષે 21 ઓક્ટોબરના રોજ ‘પોલીસ મેમોરિયલ ડે’ મનાવવામાં આવે છે.