ડીસામાં 80 લાખની લૂંટના આરોપીઓ પોલિસ પકકડથી દૂર
શકમંદ આરોપીઓની પૂછપરછ ચાલુ : તપાસ અધિકારી
ડીસામાં સોમવારે સવારે થયેલ રૂ. 80 લાખની લૂંટને લઈને જિલ્લા પોલીસ વડા સહીતનો પોલીસ કાફલો તપાસમાં લાગ્યો છે. પોલીસ દ્વારા સોમવારે આંગડિયા પેઢીના સંચાલક હરદીપસિંહ વાઘેલા જેઓ મુંબઈ હોઈ મોડી રાત્રે આવતા ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં રૂ. 80 લાખ ક્યાંથી આવ્યા અને કોને ચૂકવવાના હતા ? જે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે સાથે સંચાલકની પણ પૂછપરછ કરવામાં આવી હતી. સાથે જે રસ્તેથી કર્મચારી નાણાં લઈને એક્ટિવા પર આવી રહ્યા હતા ત્યાં સીસીટીવી કેમેરા ન હોઈ તે બાબતે પણ તપાસ હાથ ધરાઈ છે.
પણ હાલ લૂંટને લઈને પોલીસને કોઈ ચોક્કસ કડી મળી નથી પંરતું લૂંટ સમય દરમ્યાન ત્યાંથી પસાર થયેલ શકમંદોની તપાસ પોલીસ કરી રહી છે. સાથે આવી લૂંટ કરવા ટેવાયેલ ગુનેગારોની તપાસ પણ પોલીસ દ્વારા કરાઈ રહી છે
આ બાબતે તપાસ અધિકારી પીઆઈ એસ. ડી. ચૌધરીએ જણાવ્યુ હતું કે હજુ સુધી લૂંટ બાબતે કોઈ કડી મળી નથી પંરતું પોલીસ શકમંદોની પૂછપરછ કરી રહી છે. અને આરોપીઓને ઝડપી લઈ મુદ્દામાલ રીકવર કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલ પોલીસની તમામ ટિમો અલગ અલગ જગ્યાએ તપાસ કરી રહી છે.