જિલ્લામાં ૩ લાખ ૩૪ હજાર વિધાર્થીઓએ તિથિ ભોજનનો લાભ લીધો
જિલ્લા કલેકટર મિહિર પટેલના હસ્તે એસ.એન.કોઠારી પ્રા.શાળાના બાળકોને તિથી ભોજન પીરસવામાં આવ્યું
જિલ્લાના તમામ તાલુકાઓના ૨૦૨૪ કેન્દ્રો ખાતે તિથિ ભોજનનું કરાયું આયોજન
વિકાસ સપ્તાહ કાર્યક્રમની ઉજવણીના અંતિમ દિવસે બનાસકાંઠા જિલ્લામાં આ દિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર મિહિર પટેલની પહેલના પરિણામે જિલ્લાના ૧૪ તાલુકાઓ અને ડીસા તથા પાલનપુર શહેરના કુલ મળીને ૨૦૨૪ કેન્દ્રો ખાતે અધિકારી-કર્મચારીઓ અને લોક ભાગીદારી થકી પ્રાથમિક શાળાના બાળકો માટે તિથિ ભોજનનું આયોજન કરાયું હતું. જિલ્લામાં કુલ ૩ લાખ ૩૪ હજારથી વધુ પ્રાથમિક શાળાના વિધાર્થીઓએ તિથિ ભોજનનો લાભ લીધો હતો.
વિકાસ સપ્તાહ સમાપન દિવસે બનાસકાંઠા જિલ્લા પંચાયત સંચાલિત શ્રી શાંતિલાલ નાનચંદ કોઠારી પ્રાથમિક શાળાના બાળકોને જિલ્લા કલેક્ટર મિહિર પટેલના હસ્તે તિથિ ભોજન પીરસવામાં આવ્યું હતું. કલેક્ટર દ્વારા પોતાના હાથથી બાળકોને ભોજન પીરસવામાં આવ્યું હતું. કલેક્ટર અને ઉપસ્થિત અધિકારીઓએ બાળકોની વચ્ચે બેસી ભોજન લીધું હતું. શાળાના એક બાળકનો જન્મ દિવસ હોવાથી કેક કાપીને ઉજવણી કરાઇ હતી. તિથિ ભોજનના આયોજનને લઇને જિલ્લા કલેકટરએ તમામ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.
વડાપ્રધાન અને તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા કલેકટર મિહિર પટેલ દ્વારા અનોખી પહેલ કરાઈ હતી. જિલ્લામાં એક સાથે એક જ દિવસે અધિકારીઓ કર્મચારીઓ અને લોક ભાગીદારી થકી જિલ્લામાં તિથિ ભોજન થકી અનોખી ઉજવણી કરાઈ હતી. જિલ્લા પુરવઠા અધિકારી પી.એમ.રાઠોડે સમગ્ર કાર્યક્રમનું સંકલન કર્યું હતું. જેથી વિકાસ સપ્તાહના સમાપન પ્રસંગે એકસાથે જિલ્લાની ૨૦૨૪ શાળાઓમાં તિથિ ભોજન આપવામાં આવ્યું.