આખરે…વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર : 13 નવેમ્બરે મતદાન-23 મીએ પરિણામ

બનાસકાંઠા
બનાસકાંઠા

વાવ બેઠક પર 13 નવેમ્બરે મતદાન-23 મીએ પરિણામ
કોંગ્રેસનો ગઢ બરકરાર રહેશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા સાંસદ
ભાજપ-કોંગ્રેસ માટે બનશે પ્રતિષ્ઠાભર્યો ચૂંટણી જંગ

આખરે…બનાસકાંઠા જિલ્લાના વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા આતુરતાનો અંત આવ્યો છે. કેન્દ્રીય ચૂંટણી પંચે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણી સાથે વાવ બેઠકની પેટા ચૂંટણી જાહેર થતા બનાસકાંઠા જિલ્લામાં રાજકીય ગરમાવો આવ્યો છે.

વાવ વિધાનસભા સીટ પરથી ચૂંટાયેલા ગેનીબેન ઠાકોર બનાસકાંઠા લોકસભાની ચૂંટણી માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવતા તેઓએ વાવ વિધાનસભા સીટ પરથી રાજીનામું આપ્યુ હતું. જે વાવ વિધાનસભાની પેટા ચૂંટણીની કાગડોળે રાહ જોવાઇ રહી હતી. ત્યારે આજે ચૂંટણી જાહેર થતા ની સાથે જ વાવ સહિત જિલ્લા માં આદર્શ આચાર સંહિતા અમલી બની છે.

પેટા ચૂંટણીનો કાર્યક્રમ
ઉમેદવારી પત્ર ભરવાની તારીખ:- 18-10-2024
ઉમેદવારી ભરવાની છેલ્લી તારીખ:- 25-10-2024
ચકાસણી:- 28-10-2024.
પરત ખેંચવાની તારીખ:- 30-10-2024
મતદાન તારીખ:-13-11-2024.
મતગણતરી તારીખ:- 23-11-2024.

ગઢ બરકરાર રહેશે તેવો વિશ્વાસ:-સાંસદ બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે વાવ વિધાનસભાની પેટા ચૂંટણી જાહેર થતાની સાથે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, 2017- 2022 અને 2024ની લોકસભાની ચૂંટણીમાં અઢારે આલમે કોંગ્રેસને આશીર્વાદ આપ્યા છે. વાવ એ કોંગ્રેસનો ગઢ રહ્યો છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળ જેને પણ ટીકીટ આપશે તેને પ્રજાના આશીર્વાદ મળી રહેશે અને કોંગ્રેસના કાર્યકરો અને મોવડી મંડળ ટીમ તરીકે કામ કરી કોંગ્રેસને જીતાડશે. જેથી વાવમાં કોંગ્રેસનો ગઢ બરકરાર રહેશે તેવો આશાવાદ તેઓએ વ્યક્ત કર્યો હતો.

કોનું નસીબ ચમકશે?: વાવ વિધાનસભા ચૂંટણી જંગમાં ઠાકોર અને ચૌધરી સમાજનું વધુ પ્રભુત્વ રહેલું છે. જેમાં ઠાકોર સમાજના મતદારો પર કોંગ્રેસની પકડ છે. જ્યારે ચૌધરી સમાજનો ઝોક ભાજપ તરફી છે. ત્યારે દલિત સહિત ઇતર સમાજના મતદારોની ભૂમિકા પણ નકારી શકાય તેમ નથી. કોંગ્રેસમાં પ્રબળ દાવેદાર તરીકે પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ઠાકરશી ભાઈ રબારી અને કે.પી.ગઢવીના નામો છે.જ્યારે ભાજપમાં અગાઉ ચૂંટણી લડી હારનો સામનો કરી ચૂકેલા સ્વરૂપજી ઠાકોર, ગજેન્દ્રસિંહ રાણા અને મુકેશ ઠાકોરના નામ ચર્ચાઈ રહ્યા છે. જોકે, અપસેટ સર્જવા જાણીતા ભાજપ દ્વારા કોના પર પસંદગીનો કળશ ઢોળવામાં આવશે તેતો સમય જ બતાવશે. પરંતુ વાવ વિધાનસભા પેટા ચૂંટણી ભાજપ-કોંગ્રેસ બંને માટે લિટમસ ટેસ્ટ સમી પુરવાર થશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.