નવરાત્રિના અંતિમ ચરણમાં જિલ્લામાં રાસ- ગરબાની રમઝટ
કુમકુમના પગલાં પડ્યા..માડીના હેત ઢળ્યા. જોવા લોક ટોળે વળ્યાં રે..
શક્તિ અને ભક્તિનું પર્વ નવરાત્રિ અંતિમ ચરણમાં છે ત્યારે ડીસા,પાલનપુર, લાખણી,વડગામ, દિયોદર અને વાવ- થરાદ સહિતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વિવિધ મંડળો દ્વારા આયોજિત ગરબા મહોત્સવમાં શેરી ગરબા સાથે આધુનિક રાસ- ગરબાની રમઝટ જામી છે.સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના તાલે પ્રાચીન અને અર્વાચીન ગરબાની રંગત વચ્ચે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘુમી રહ્યા છે.
ટ્રેડિશનલ ડ્રેસ અને ચણિયા ચોળી જેવા અવનવા વેશ પરિધાનમાં ગજ્જુ યુવક -યુવતીઓને ગરબે ઘૂમતા જોવાનો પણ અનેરો લ્હાવો છે. તેથી ગુજરાતની ઓળખ સમાન ગરબો જીવંત થઈ ઉઠયો છે. આ વખતે મોડી રાત સુધી ગરબાની છૂટને લઇ ઠેરઠેર રાસ અને ગરબાની રમઝટ જામી રહી છે. જોકે સાઉન્ડ સિસ્ટમ અને ડીજેના સહારે હવે આધુનિક ઢબે નવરાત્રી ઉજવાઇ રહી છે.
જેમાં પાશ્ચાત્ય સંગીતના તાલે ગવાતા દેશી ગરબા ખેલૈયાઓને ગરબે રમવા મજબુર કરે છે. તેમાં પણ ફિલ્મી ગીતમાં ઢાળેલા ગરબા અનેરી રંગત જમાવે છે પરંતુ ગામડાઓમાં મહિલાઓ માથે બેડા કે ગરબા મૂકી ગરબે ઘૂમી શેરી ગરબાને સજીવન રાખી રહી છે. હવે નવરાત્રિ અંતિમ ચરણમાં હોઈ મોડી રાત સુધી રાસ ગરબાની રમઝટ જામી હતી. તેથી રાત પણ જીવંત થઈ ઊઠી હતી. પ્રાચીન-અર્વાચીન ગરબાની વણઝાર વચ્ચે આ વખતે પણ અવનવા ગરબા સાંભળવા મળી રહ્યા છે પરંતુ અગાઉથી ઓલ ટાઈમ હિટ ‘દેશી’ ગરબાનું આકર્ષણ આજે પણ અકબંધ જળવાઈ રહ્યું છે.
Tags Navratri Raas-Garba Ramzat