અંબાજી ખાતે બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં પદયાત્રાનું કરાયું આયોજન

બનાસકાંઠા
બનાસકાંઠા

વડાપ્રધાનના પ્રયત્નોથી છેલ્લા ૨૩ વર્ષમાં સમગ્ર ગુજરાત સહિત પવિત્ર યાત્રાધામ અંબાજીનો સર્વાંગી વિકાસ થયો:-મંત્રી બલવંતસિંહ રાજપૂત

રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટ અપ સહિત વિશ્વની અગ્રણી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થઈ:-મંત્રી બલવંતસિંહ રાજપૂત

વડાપ્રધાન અને ગુજરાત રાજયના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ, ગુજરાત રાજયના ૧૪મા મુખ્યમંત્રી તરીકે તા.૭ ઓક્ટોબર, ૨૦૦૧ના દિવસે શપથ લઈને રાજ્યની વિકાસ યાત્રાની કરવટ બદલી હતી. તેમના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ગુજરાતની વર્ષ-૨૦૦૧ થી વર્ષ-૨૦૨૪ સુધીની ૨૩ વર્ષની સર્વગ્રાહી વૈશ્વિક વિકાસ યાત્રાની સફળતાની ગાથામાં નાગરિકોને જોડી ઓકટોબર-૨૦૨૪ની તા. ૦૭ થી તા.૧૫ દરમિયાન “વિકાસ સપ્તાહ” ઉજવણીનું આયોજન રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કરાયું છે.

યાત્રાધામ અંબાજી ખાતે આજે બનાસકાંઠા જિલ્લાના પ્રભારી અને કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતની અધ્યક્ષતામાં વિકાસ પદયાત્રાનું આયોજન કરાયું હતું. આ વિકાસ પદયાત્રા ૫૧ શક્તિપીઠ સર્કલથી શરૂ કરીને શક્તી દ્વાર થઇને મંદિરના ચાચર ચોક સુધી યોજાઈ હતી. જેમાં ખાસ કરીને ગુજરાત રાજ્ય સહીત કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ પ્રજાલક્ષી થયેલા વિકાસ કાર્યોથી લોકોને અવગત કરવામાં આવ્યા હતા.

આ પ્રસંગે આયોજિત કાર્યક્રમમાં મંત્રીએ જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાનના પ્રયત્નોથી છેલ્લા ૨૩ વર્ષમાં સમગ્ર ગુજરાત અને પવિત્ર યાત્રાધામ અંબાજીનો સર્વાંગી વિકાસ થયો છે. આજે લાખો માઈ ભક્તો અંબાજી મંદિરે દર્શન કરીને ધન્યતા અનુભવે છે. ગુજરાત આજે વિકાસનું રોલ મોડલ બન્યું છે. વિશ્વની અગ્રણી ૫૦૦ કંપનીઓ પૈકી ૧૦૦ કંપનીઓ ગુજરાતમાં કાર્યરત થઈ છે. આજે ગુજરાતમાં રોજગારી, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાર્ટ અપ, આરોગ્ય, શિક્ષણ, આવાસ સહિતની વિવિધ યોજનાઓ થકી છેવાડાના લોકોનો સર્વાંગી વિકાસ થયો છે.

આ પ્રસંગે દાંતા પ્રાંત અધિકારી સિધ્ધિ વર્માએ કાર્યક્રમ અનુરૂપ શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે અંબાજી વહીવટદાર કૌશિક મોદીએ છેલ્લા ૨૩ વર્ષમાં અંબાજીમાં થયેલા વિકાસ કાર્યો બાબતે ઉપસ્થિતોને માહિતી આપી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જોયેલા વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવા મન-વચન અને કર્મથી તત્પર રહેવા સાથે દેશ માટે સમર્પિત ભાવની સામૂહિક ભારત વિકાસ માટેની પ્રતિજ્ઞા લેવામાં આવી હતી તથા ફિલ્મનું નિદર્શન કરાયું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.