જગાણામાં બાળકોનું ભરણ પોષણ ન આપનાર પિતાને 36 સપ્તાહની સજા
રૂ.2.16 લાખ ભરણ પોષણ ન ચૂકવે તો 36 સપ્તાહની કેદની સજા
પત્નીના નિધન બાદ બીજા લગ્ન કરી બે બાળકોને તરછોડી દેનાર પિતાને ફટકારી સજા
પાલનપુર તાલુકાના જગાણા ગામના બાળકોને તેમની માતાના અવસાન બાદ પિતાએ મુંબઈ જઈ બીજા લગ્ન કર્યા બાદ બન્ને બાળકોને તરછોડી દેતા તેઓએ પિતા સામે ભરણ પોષણ માટે દાવો કર્યો હતો. જેમાં ફેમેલી કોર્ટે ચડેલ ભરણ પોષણની રૂ.2.16 લાખની રકમ ચૂકવવા અને ન ચૂકવે તો પિતાને 36 સપ્તાહની કેદની સજા કરી હતી.
આ કેસની હકીકત એવી છે કે, મનોજભાઈ હરીસચંદ્ર જકરીયા એ લગ્ન જીવનના સહવાસથી બે બાળકો થયેલ હતા. દરમિયાન બન્ને બાળકોની માતાનું અવસાન થતા બન્ને બાળકોને તેમના નાની ના ઘરે જગાણા મુકામે મુકી દઇ મનોજભાઈએ મુંબઈ જઈ બીજા લગ્ન કરી દીધા હતા. અને આ બન્ને બાળકોને તરછોડી દીધા હતા. જેમાં એક બાળક વિકલાંગ હતો. જેથી આ બન્ને બાળકોએ પાલનપુર ફેમીલી કોર્ટમાં તેમના પિતા વિરુધ્ધ ક્રિમી.એપ્લીકેશન 63/2022 તેમજ ક્રિમી. એપ્લીકેશન 116/2023 માં ચડેલ ભરણપોષણ લેવા માટે અરજી કરેલ હતી.
જેમાં કોર્ટે હુકમ કરેલ છે કે, મનોજભાઈ હરીસચંદ્ર જકરીયા એ તેમના બાળકોને ચડેલ ભરણપોષણની રકમ પૈકી રૂા.2,16,000/- બાળકોને ચુકવવા અને જો ન ચુકવે તો તેઓને 36 અઠવાડીયાની કેદની સજા કરવાનો હુકમ કરેલ હતો. જેમાં વકીલ આઈ.એ. પઠાણની દલીલો ગ્રાહય રાખી ન્યાયાધીશે મનોજભાઈ હરીસચંદ્ર જકરીયાને કસુરના બદલે સજા કરવાનો હુકમ કર્યો હતો. આમ, કોર્ટે બાળકોને તરછોડી દેનાર પિતાને દાખલારૂપ સજા કરી હતી.