બનાસકાંઠા જિલ્લામાં સ્વચ્છ ભારત દિવસની ઉજવણી કરાઈ
સેલ્ફી પોઇન્ટ, ગ્રામ સભા, સફાઈ ઝુંબેશ સહિત સફાઈ કામદારોનું કરાયું સન્માન: જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના નિકાલ માટે ઈ-રિક્ષાની કરાઈ ફાળવણી ૨ જી ઓક્ટોબર,૨૦૨૪ મહાત્મા ગાંધીજીની જન્મ જયંતીને શ્રદ્ધાંજલિ આપવા તેમજ સ્વચ્છ ભારત મિશનના ૧૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે બનાસકાંઠા જિલ્લામાં વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઈ હતી.
બનાસકાંઠામાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલના નેતૃત્વ હેઠળ તેમજ જિલ્લા વિકાસ અધિકારી એમ.જે.દવેના માર્ગદર્શન હેઠળ તમામ તાલુકા કક્ષાએ તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ‘સ્વચ્છ ભારત દિવસ’ની ઉજવણી કરાઈ હતી. જેમાં વિવિધ સ્થળો પર સેલ્ફી પોઇન્ટ લગાવીને સ્વચ્છતાનો સંદેશો, વિવિધ ગામોમાં ગ્રામ સભાઓ, સફાઈ ઝુંબેશ સહિત મહાનુભાવોના હસ્તે સફાઈ કામદારોનું સન્માન કરાયું હતું.
આ સાથે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તરફથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કચરાના નિકાલ માટે ૯ જેટલી ઈ-રિક્ષાની ફાળવણી કરાઈ હતી. અહી નોંધનીય છે કે, ૧૭ સપ્ટેમ્બર થી ૦૨ ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા પખવાડિયું તેમજ ૧૭ સપ્ટેમ્બરથી ૩૧ ઓક્ટોબર સુધી સ્વચ્છતા હી સેવા અંતર્ગત અલગ અલગ થીમ આધારિત સ્વચ્છતા ઝુંબેશ હાથ ધરાઈ છે.