ઘણી ધોરી વિનાના પાલનપુરની પીડા કોણ સાંભળશે? બાયપાસ સામેના વિરોધ વચ્ચે પાલનપુરીઓ ચિંતાતુર

બનાસકાંઠા
બનાસકાંઠા

ટ્રાફિક સમસ્યાનો કાયમી હલ ઇચ્છતા નગરજનો, બાયપાસના વિરોધ વચ્ચે ટ્રાફિકની સમસ્યા ઠેરની ઠેર: સરહદી બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર શહેરના પ્રવેશદ્વાર સમાં એરોમા ટ્રાફિક સર્કલ પરની ટ્રાફિક સમસ્યા દિન- પ્રતિદિન વકરતી જાય છે. ત્યારે સરકાર દ્વારા બ્રિજના લોલીપોપ બાદ બાયપાસ મંજુર કરાતા સમસ્યાનો ઉકેલ આવશે તેવી આશા બંધાઈ હતી.

જોકે, બાયપાસ મંજુર થયા બાદ ખેડૂતોની જમીન સંપાદનમાં બાયપાસ પણ વિવાદમાં ફસાયો છે. જેથી ફરીએકવાર ટ્રાફિક સમસ્યાના કાયમી હલની આશા પર પાણી ફરી વળ્યું છે. તંત્ર દ્વારા અગાઉ લાખો રૂપિયાનો ધુમાડો કરી ટ્રાફિક સિગ્નલ લગાવાયા હતા. જે પણ નિષ્ફળ જતા હવે લેફ્ટ સાઈડ ડેડીકેટેડ લેનનું કામ ચાલી રહ્યું છે. પરંતુ આ બધા ગતકડાં કાયમી ઉકેલ માટેના નથી. ત્યારે સરકાર વચલો રસ્તો કાઢે તેવી માંગ પાલનપુર બાર એસોસિએશનના પૂર્વ પ્રમુખ જશવંતસિંહ વાઘેલાએ કરી હતી.

આમ, પાલનપુરમાં બાયપાસ મંજુર થયાને પણ સમય વીતવા છતાં ખેડૂતોના આંદોલનને પગલે સરકાર ઠોસ નિર્ણય ન લઈ શકતી સરકારની અનિર્ણાયકતા સામે સવાલો ઉઠાવતી પાલનપુરની પ્રજા પીડાઈ રહી છે.

ખેડૂતો રાજકીય હાથો ન બને: જોકે, ખેડૂતોનું આંદોલન રાજકીય હાથો બની રહ્યું હોવાના પણ આક્ષેપો પણ થઈ રહ્યા છે. પાલનપુરના વર્ષોજુની સમસ્યાના ઉકેલ માટે બાયપાસ જરૂરી છે. ત્યારે ખેડૂતો રાજકીય હાથો બન્યા વગર વિકાસના કામમાં સહયોગ આપે તેવી માંગ કરતા એડવોકેટ મનોજ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, ખેડૂતોને ગુમરાહ કરનાર વિપક્ષને પ્રજા પણ માફ નહિ કરે.

પાલનપુરીઓના ફેફસા કાર્બન ડાયોક્સાઇડથી ભરાઈ રહ્યા છે: પાલનપુરની ટ્રાફિકની વર્ષોજુની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. હવે તો એરોમાં સર્કલ ઉપરાંત હનુમાન ટેકરી ઉપર  પણ ટ્રાફિક વધતું જાય છે. ત્યારે સરકાર પણ ખેડૂતોની વ્યાજબી માંગણીઓને સંતોષીને આક્રમક બનીને પણ બાયપાસની દિશામાં ઠોસ કામગીરી કરે તેવી લાગણી પૂર્વ નગરસેવક અતુલ ચોકસીએ વ્યક્ત કરી હતી. તો ખેડૂતોના સરકાર સામેના આંદોલનને લઈને વકરતી જતી ટ્રાફિક સમસ્યાને લઈને ટુ વ્હીલર પર ફરતા પાલનપુરીઓના ફેફસામાં કાર્બન ડાયોક્સાઇડ ભરાઈ રહ્યા છે. તો તેના માટે જવાબદાર કોણ? તેવો અણીયાળો સવાલ શિવસેનાના પ્રમુખ કમલેશ મહેતાએ કર્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.