સ્વચ્છતાનું સન્માન: સફાઈ યોધ્ધાઓનું જિલ્લા કલેકટર એ સ્વચ્છતાની કામગીરીને બિરદાવી
જિલ્લા કલેકટર મિહિર પટેલે સ્વચ્છતા કર્મીઓની સાથે રહી મા અંબાના દર્શન કર્યા
સ્વચ્છતાની કામગીરીને બિરદાવું છું, તેમને વંદન કરું છું:-કલેકટર મિહિર પટેલ
અંબાજી ભાદરવી પૂનમના મેળામાં સ્વચ્છતાના યોધ્ધાઓ એવા સફાઈ કર્મચારીઓનું જિલ્લા કલેકટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન મિહિર પટેલ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. સમગ્ર મેળા દરમિયાન મેળાની સફાઈની જવાબદારી ૧૨૦૦ જેટલા સફાઈ કર્મીઓએ નિષ્ઠાપૂર્વક બજાવી છે.
વહેલી સવાર થી મોડી રાત સુધી સ્વચ્છતાની કામગીરીમાં જોતરાયેલા સફાઈ કર્મચારીઓની સેવાથી પ્રસન્ન અને સંતોષ વ્યક્ત કરતાં ખુદ જિલ્લા કલેકટર સફાઈ કર્મીઓને માના દર્શન કરાવ્યા હતા. તેમજ મેળા દરમિયાન ની સફાઈ કામગીરીને બિરદાવી સૌને ભાદરવી પૂનમ મેળો સુખરૂપ સંપન્ન થવા બદલ શુભકામના પાઠવી આભાર માન્યો હતો. સફાઈ કર્મીઓએ માથે મા અંબેના ચરણ પાદુકા મૂકી મા ના આશીર્વાદ મેળવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટર જણાવ્યું હતું કે, અંબાજીને સ્વચ્છ રાખવામાં સફાઈ કર્મીઓની ભૂમિકા ખૂબ અગત્યની છે. દેશમાં જ્યારે ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન ચાલી રહ્યું છે, ત્યારે અંબાના ધામમાં સફાઈ કર્મીઓએ આપેલી સેવા ખૂબ અનોખી છે. અંબાજી મંદિર થી લઈ અંબાજી ગામને સ્વચ્છ રાખવામાં સફાઈ યોદ્ધાઓએ યુદ્ધમાં સૈનિકો કામ કરતા હોય એ પ્રકારે નિષ્ઠાપૂર્વક સ્વચ્છતાની જવાબદારી અદા કરી છે. હું તેમની કામગીરીને બિરદાવી તેમને વંદન કરું છું.
ભાદરવી પૂનમના મહામેળામાં સ્વચ્છતા અંગે વહીવટીતંત્ર દ્વારા વિશેષ કાળજી રાખી મેળા દરમિયાન ક્યાંય ગંદકી કે કચરાના ઢગ જોવા ન મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.