બોલ માડી અંબે…જય જય અંબે…ના નાદથી ગુંજી ઉઠ્યુ અંબાજી મંદિર

બનાસકાંઠા
બનાસકાંઠા

ભાદરવી પૂનમના મેળામાં રોશનીથી ઝળહળ્યું શક્તિપીઠ અંબાજી

નયનરમ્ય લાઈટિંગનો નજારો યાત્રિકોને દિવ્યતા ભવ્યતાની અનુભૂતિ કરાવી રહ્યો છે

મા અંબાના અવિસ્મરણીય અવસર એવા ભાદરવી પૂનમના મહામેળામાં શ્રદ્ધાનો મહાસાગર છલકાઈ રહ્યો છે. ૧૨ સપ્ટેમ્બર થી શરુ થયેલા મેળામાં લાખોની સંખ્યામાં માનવ મહેરામણ માતાના ચરણોમાં દર્શનાર્થે ઉમટી રહ્યો છે. પદયાત્રિકો, સંઘમાં આવતા યાત્રિકો, રથ, માંડવી, ગરબા અને ધજા લઈને આવતા માઇભક્તોનો અવિરત પ્રવાહ અંબાજી ધામને જય અંબે….. બોલમાડી…… અંબેના નાદથી સતત ગજવી રહ્યો છે.

શ્રદ્ધા, ભક્તિ અને આસ્થાના ત્રિવેણી સંગમથી યાત્રાધામ અંબાજીમાં મીની કુંભમેળા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. ભક્તોની આસ્થાને ધ્યાને લઈને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી મેળાને યાદગાર બનાવવા ભવ્યાતિભવ્ય આયોજન કરાયું છે. જેના ભાગરૂપે યાત્રિકો માટે તમામ સુવિધાઓનું સુંદર આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી છે.

મા અંબાનું શક્તિપીઠ કે જ્યાં માતાજીનું હૃદય બિરાજમાન છે ત્યાં મા અંબાના ચરણમાં શીશ નમાવવા આવતા માઇભક્તોનું હૃદય પણ આનંદ અને ઉલ્લાસની અનુભૂતિ કરે છે. માતાના ધામમાં પ્રવેશતાં જ માઇભક્તો આફરીન પોકારી ઉઠે એવો રોશનીનો ઝગમગાટ કરવામાં આવ્યો છે. સમગ્ર મંદિર પરિસર અને નયનરમ્ય લાઈટિંગનો નજારો યાત્રિકોને દિવ્યતા ભવ્યતાની અનુભૂતિ કરાવી રહ્યો છે.

અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અંબાજીમાં શક્તિપીઠ સર્કલથી માતાજીના મંદિરમાં પ્રવેશવાના મુખ્ય ગેટ શક્તિદ્વાર તથા મંદિરના ચાચર ચોક અને મુખ્ય મંદિરને અદ્દભૂત અને આંખોને આંજી દેતી મનમોહક લાગતી રોશનીથી સજાવવામાં આવ્યું છે. શક્તિદ્વારથી મંદિર જવાના માર્ગ પર રોશનીની એવી જમાવટ કરાઈ છે કે, જાણે આરાસુર ડુંગરની ગિરિમાળાઓમાંથી અસંખ્ય આગિયા મા અંબાના અવસરને પ્રકાશિત કરવા ઊમટી પડ્યા હોય એવી અનુભૂતિ શ્રધ્ધાળુઓ અને ભાવિક ભક્તો કરી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.