પગપાળા જતા શ્રદ્ધાળુઓ માટે આરોગ્ય વિભાગ પાટણ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરાયું
બોલ મારી અંબે…જય જય અંબે…ના નાદ સાથે હાલમાં પાટણ જિલ્લાના માર્ગો ગુંજી રહ્યા છે. પાટણ જિલ્લાથી અંબાજી ભાદરવી પૂનમના મેળાએ પગપાળા જતા શ્રદ્ધાળુઓના કારણે માર્ગો પણ જાણે ભક્તિના રંગોએ રેલાઈ રહ્યા છે. આવા સમયે પગપાળા જતા શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે તે માટે વિવિધ સેવાભાવી સંસ્થાઓ દ્વારા વ્યવસ્થાઓ કરવામાં આવતી હોય છે.
ભાવીક ભક્તોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખીને પાટણ જિલ્લાનું આરોગ્યતંત્ર પણ સેવા કેમ્પમાંજોડાયું છે. પાટણ જિલ્લાના આરોગ્ય તંત્ર દ્વારા ભાદરવી પૂનમના મેળામાં પગપાળા જતા શ્રદ્ધાળુઓને પ્રાથમિક સારવાર મળી રહે તે માટે દેથલી ચોકડી સિધ્ધપુર, કમલીવાડા (પાટણ) તેમજ જેતલપુર (રાધનપુર) ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. માઈભક્તો આ મેડિકલ કેમ્પની સારવારનો લાભ લઇ રહ્યા હોવાનું આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું.