સરકારી બાબુઓની બેદરકારી: બનાસકાંઠામાં શિક્ષણના નામે સરકારના કરોડો રૂપિયાનું આંધણ થયું
તસવીર: પ્રવિણ ચૌધરી, ઇશ્વર રબારી
શિક્ષણને લઈ ફરી બનાસકાંઠા બદનામ થયું, ખેતીની જમીન બિન ખેતી કર્યાં વિનાજ શાળા બનાવી દેવાઈ, વીજ કનેકશનની માંગણીથી પ્રકરણ બહાર આવ્યું
દાતા એ પોતાની મહા મૂલી જમીન શાળા બનાવવા સરકારને દાનમાં આપી પરંતુ તેના આશય પર પાણી ફર્યું
બનાસકાંઠા જિલ્લામાં શિક્ષકો ચાલુ નોકરીમાં ફરજ ઉપર હાજર ન રહેતા હોવાની ઠેરઠેર ફરિયાદો ઉઠી જે બાદ ફરી શિક્ષણ વિભાગ બદનામ થયુ હોય તેવો ઘાટ ઘડાયો છે. દાંતીવાડા તાલુકામાં આવેલા ગોઢ ગામમાં કરોડોના ખર્ચે તૈયાર કરાયેલી સરકારી શાળા છેલ્લા ચાર વર્ષથી નકામી બની છે શિક્ષણ વિભાગની લાલીયાવાડીથી હાલમાં આ શાળાની હાલત સાવ ખંડેર બની છે.
આ શાળાની મંજુરી સરકારમાંથી વર્ષ 2017 ની સાલમાં મળી હતી જે બાદ શાળા બાંધકામ માટે ટેન્ડર પ્રક્રિયા કરાઈ અને તે બાદ વર્ષ 2020,21માં શાળાનું નિર્માણ કરી દેવાયું હતું. આ વિસ્તારના લોકો દ્વારા શાળાની માંગણી કરાતા વિધાર્થીઓને સારું અને શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તે માટે સરકાર દ્વારા એક સુંદર શાળા સંકુલ બનાવવા અંદાજીત 1 કરોડો 40 લાખ રૂપિયાની માતબર ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. જે ગ્રાન્ટ ફાળવવામાં આવી તે નાણાં ખર્ચ થયા અને આ ગામમાં એક સુંદર શાળા સંકુલ પણ તૈયાર કરી દેવામાં આવ્યું છે પરંતુ સંકુલ બન્યાના ત્રણ વર્ષ જેટલો સમય વિત્યા પછી પણ આ ગામને હજુ સુધી આ શાળાનો લાભ નથી મળી રહ્યો કારણકે સરકારી બાબુઓની બે-જવાબદારીથી શાળામાં વિજ કનેકશન નથી મળી રહ્યું. જમીન હકીકત પ્રમાણે સ્થાનિક એક વ્યક્તિ દ્વારા બાળકોને સારું શિક્ષણ આપવા અને શાળા બનાવવા સરકારને પોતાની મહામૂલી જમીન પણ આપી છે પરંતુ અહીં તો દાતાઓના નેક ઈરાદાઓ ઉપર પણ પાણી ફરી વળ્યું છે. તેમજ વિધાર્થીઓ ને સારું શિક્ષણ મળવાનું સપનું રોળાયુ છે.
વીજ કનેકશન માંગતા પ્રકરણ બહાર આવ્યું : શાળાના પ્રિન્સિપાલ દ્વારા વીજ કનેકશન માંગવા યુજીવીસીએલ કચેરીમાં માંગણી કરી ત્યારે સમગ્ર પ્રકરણ બહાર આવ્યું કે શાળાની જમીન બિન ખેતી નથી કરવામાં આવી જેથી હાલમાં શાળાનું કામકાજ ટલ્લે ચડતા ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી પ્રાથમીક શાળાના વર્ગ ખંડમાં અભ્યાસ મેળવી રહ્યા છે.
બોલો હજુ સુધી સરકારી શાળા વિધાર્થીઓને ભણવા લાયક તો બની પણ નથી અને કરોડો ખર્ચ કરી દેવાયા: ખેતીની જમીનમાં આટલું મોટું બાંધકામ થયું કેવી રીતે ? કે પછી સરકારી શાળા હોય એટલે ગમેત્યાં બની જાય ? અને જરા શિક્ષણ વિભાગ એ પણ જોવાની તકલીફ લે કે આ સરકારમાંથી મળેલા કરોડો રૂપિયા કોન્ટ્રાક્ટર લઈ ગયો કે બાકી છે ? કેમ કે આ શાળા હજુ સુધી વિધાર્થીઓને ભણવા લાયક નથી બની અહીં તો વિધાર્થીઓના બદલે મેદાનમાં બાવળો લહેરાઇ રહ્યા છે. અને જો કોન્ટ્રાક્ટર રૂપિયા લઈ ગયો હોય તો સરકારી કર્મચારીઓ ભાગ-બટાઈમાં ભેગા તો નથી ને ?
રખેવાળના સીધાં સવાલ: શિક્ષણ વિભાગને
શાળાને લઈ અનેક સવાલો બનાસકાંઠા શિક્ષણ વિભાગ
સામે ઊઠ્યા છે ફરી શિક્ષણ વિભાગ બદનામ થયું છે
જો જમીન શાળા બનાવવા દાનમાં આપવામાં આવી હતી તો પછી આ જમીનનો દસ્તાવેજ તેં સમયે કેમ ન કરવામાં આવ્યો ?
જેતે સમયે આ જમીનને બિન ખેતી કરવા કોઈ પ્રક્રિયા કેમ ન કરવામાં આવી?
શું આ બધી પ્રક્રિયા સરકારના કરોડો રૂપિયા ખર્ચ થાય તે પહેલા કરવાનું સરકારી બાબુઓએ જરૂરી ન સમજ્યું ?
જો આ બધું કાર્ય જવાબદારી પૂર્વક જે તે સમયે કરવામાં આવ્યું હોત તો આજે વીજ કનેકશન લેવા ગામ લોકોએ આજીજી કરવાની નોબત ન આવી હોત ?
આ શાળના મેદાનમાં વિધાર્થીઓના બદલે ઊગી નીકળેલા બાવળ અને ખંડેર હાલનું જવાબદાર કોણ?
ગાંધીનગરથી તપાસ થાય તો મોટી લાલયાવાડી બહાર આવી શકે : જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીથી લઈ નીચે સુધીના બાબુઓની અનેક ભૂલોએ સરકારી તિજોરીના કરોડો રૂપિયા વેડફાયા પછી પણ શાળાને વિધાર્થીઓને ભણવા લાયક નથી બનવા દીધી.
આ તો કેવી સરકારી શાળા કે જ્યાં વિજ જોડાણ માટે પણ ગામના લોકોએ રૂપિયા ભરવા પડે: ગામના પૂર્વ સરપંચનોં આરોપ છે કે અનેક વખત શાળા બાબતે દોડાદોડ કરી પણ જિલ્લા માધ્યમિક શિક્ષણ અધિકારીએ સરખા જવાબ ન આપ્યા, શાળા બનાવવા તેમણે તેમના સરપંચ કાર્યાકાળમાં ખૂબ મહેનત કરી પરંતુ અધિકારીઓની કેટલીક ભૂલો આજે ગામને ભોગવવા દિવસો આવ્યા છે કારણકે વીજ કનેકશન લેવા બિન ખેતી હોવાના પુરાવા માંગવામાં આવ્યા છે માટે અમે ગામમાં ફાળો કરી દસ્તાવેજ કરવા તો નાણાં ભરી દીધા છે પણ જમીન NA કરાવવા માટે મોટી રકમ એકઠી કરવી મુશ્કેલ છે. માટે અમે સરકાર પાસે અપેક્ષા રાખીયે કે આ બાબતે કોઈ હલ નિકળે અને શાળા વહેલી તકે શરૂ કરવામાં આવે.