પાલનપુરમાં લાંબા વિરામ બાદ 3 ઇંચ વરસાદ, ગોબરી તળાવ, જુના બસ સ્ટેન્ડ, સિવિલ, ધનિયાણા ચોકડી, મફતપુરામાં પાણી ભરાયા

બનાસકાંઠા
બનાસકાંઠા

બાલારામ નદીમાં નીર આવતા ખેડૂતોમાં ખુશની લહેર: બનાસકાંઠા જિલ્લા મુખ્યાલય પાલનપુર પંથકમાં 29 જુલાઈ બાદ મેઘરાજાની સેકન્ડ ઇનિંગ શરૂ થઈ હતી.પાલનપુરમાં સવાર થી જ વરસાદી માહોલ જામ્યો હતો. કાળા ડિબાંગ વાદળાં ઘેરાતા વાતાવરણ પલટાયું હતું. ત્યારે પાલનપુર શહેર માં અસહ્ય ઉકળાટ વચ્ચે વહેલી સવારે જ વરસાદનું આગમન થયું હતું. વરસાદ આવતા ગરમીમાં રાહત મળતા નગરજનોએ હાશકારો અનુભવ્યો હતો. પાલનપુર શહેર સહિત પંથકમાં વરસાદી ઝાપટાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.

પાલનપુરમાં સવારે 6 થી 8 બે કલાકમાં 35 મી.મી. અને બપોરે 10 થી 12 વાગ્યા સુધીમાં 2 કલાકમાં 26 મી.મી.મળી દિવસ દરમિયાન કુલ ત્રણેક ઇંચ(73 મી.મી)જેટલો વરસાદ ખાબક્યો હતો. વરસાદને લઈને નીચાણ વાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. શહેરના નાની બજાર, સિવિલ હોસ્પિટલ, મફતપુરા,  કીર્તિસ્થસંભ, વૃંદાવન સોસાયટી, ગઠામણ પાટિયા, ધનિયાણા ચોકડી, રેલવે ગરનાળા ઓ સહિત ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા અનેક વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા.

ગોબરી તળાવનો પાળો તૂટ્યો: પાલનપુરમાં મેઘરાજાના આગમન ને પગલે ગોબરી તળાવ નો પાળો તૂટ્યો હતો. ગોબરી તળાવનો એક પાળો તૂટી જતાં મોટા પ્રમાણમાં પાણી વહી ગયું હતું. પાલનપુર શહેર નું ગંદુ પાણી આ તળાવમાં જતું હતું. જે ગંદુ પાણી સાથે આજે વરસાદી પાણી આવતા તળાવનો પાળો તૂટ્યો હતો. તળાવનો પાળો તૂટતા તળાવનું પાણી આસપાસના  ખેડૂતોના ખેતરોમાં જતા બાજરી અને મગફળીના પાકને નુકશાન થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી હતી. વળી કેટલાક લોકોના ઘરમાં પણ પાણી ભરાઈ જતા ઘરવખરી ને નુકસાન થયું હતું. આમ, વારંવાર તળાવનાં પાળા તૂટતાં હોઇ ગંદુ પાણી ખેતરો માં જતા ખેડૂતો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

50થી વધુ ગામડાને જોડતો માર્ગ પાણીમાં ગરકાવ: પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદ થતા અનેક નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા હતા. જેમાં પાલનપુરની ધનિયાણા ચોકડી હાઇવે ઉપર ઘૂંટણ સમાં પાણી ભરાયા હતા. ધનિયાણા ચોકડીથી અનેક ગામડા ને જોડતો મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થતા 50 થી વધુ ગામડા ઓને જોડતા માર્ગ ઉપર પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. મુખ્ય હાઇવે ઉપર જ પાણી ભરાતા વાહન ચાલકો અને રાહદારીઓ અટવાયા હતા. પાલનપુર તાલુકાના રતનપુર, મેરવાડા, સેમોદ્રા, વિરપુર, ધનિયાણા, રામપુરા, માલણ સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે. ત્યારે મુખ્ય માર્ગ ઉપર પાણી ભરાતા તંત્ર દ્વારા પાણીના નિકાલ માટેની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.

બાલારામ નદીમાં આવ્યા નીર: ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ઉત્તર ગુજરાતના મીની કાશ્મીર ગણાતા બાલારામ મહાદેવના સાંનિધ્યમાં વહેતી બાલારામ નદીમાં નવા નીર આવ્યા છે. ભારે વરસાદને લઈને બાલારામ નદી માં પાણી વહેતા થયા છે. બાલારામ નદીમાં નવા નીર આવતા ખેડૂતોને ફાયદો થશે.

પાલનપુર જુના બસ સ્ટેન્ડ- સિવિલમાં પાણી ભરાયા: પાલનપુર શહેરમાં માત્ર ત્રણ ઇંચ વરસાદે તંત્રની પ્રિ-મોન્સૂન પ્લાનની પોકળતાનો.પર્દાફાશ કરી દીધો હતો. શહેરમાં ઠેરઠેર નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં હતા. જેમાં જુના એસ.ટી. બસસ્ટેન્ડમાં વરસાદી પાણી ભરાતા મુસાફરો અને વાહન ચાલકો પરેશાન થયા હતા. તો વળી સિવિલના ટ્રોમા સેન્ટરના ભાગમાં વરસાદી પાણી ભરાતા દર્દીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.